કોઈની પણ જાસૂસી ચલાવી લેવાય નહીં : સુપ્રીમ કોર્ટ

28 October, 2021 01:14 PM IST  |  New Delhi | Agency

પેગાસસ જાસૂસીકાંડ મામલે બનાવી ત્રણ સભ્યોની તપાસ સમિતિ, સરકારનું વલણ સ્પષ્ટ નથી

પૂરતી તૈયારીઓ સાથે પ્રેસ કૉન્ફરન્સમાં આવેલા રાહુલ ગાંધી.

સુપ્રીમ કોર્ટે બુધવારે પેગાસસ જાસૂસીકાંડમાં નિષ્ણાતોની સમિતિની રચના કરી છે. ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટે પેગાસસ સ્પાયવેર વાપરવામાં આવ્યો હતો કે કેમ એ વિશે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. વી. રવીન્દ્રનના વડપણમાં સાયબર સિક્યૉરિટી, ડિજિટલ ફૉરેન્સિક, નેટવર્ક્સ અને હાર્ડવેરના ત્રણ નિષ્ણાતોની કમિટી તૈયાર કરવામાં આવી છે.
આ ટેક્નિકલ પૅનલને વ્યાપક અધિકારો આપવામાં આવ્યા છે. સમિતિમાં નવીનકુમાર ચૌધરી, પ્રભાહરન પી. અને અશ્વિન અનિલ ગુમાસ્તે જેવા નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ન્યાયમૂર્તિ રવીન્દ્રનને અહેવાલ સોંપશે. ન્યાયમૂર્તિને ટેક્નિકલ નિરીક્ષણમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી અલોક જોશી અને સુનદીપ ઓબેરોય મદદ કરશે.

નાગરિકોનાં મોબાઈલ કે અન્ય ઉપકરણોમાં આ સ્પાયવેરનો વપરાશ કરવામાં આવ્યો હતો કે કેમ એ વિશે તપાસ કરવાના વ્યાપક અધિકારો આ પૅનલને આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘આજે લોકો માહિતી ક્રાન્તિના યુગમાં જીવી રહ્યા છે. એમની તમામ માહિતીઓ ક્લાઉડ અથવા એના જેવી ડિજિટલ માધ્યમમાં હોય છે. એથી લોકો ગુપ્તતાની આશા રાખે એમાં કંઈ ખોટું નથી.’ ૪૬ પાનાંના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ મામલે એ​ક નિષ્ણાતોની સમિતિ બનાવતાં જણાવ્યું હતું કે ‘કોઈ પણ જાતનાં નિયંત્રણો વગર કોઈની અંગત વાતોની જાણકારી મેળવવા જાસૂસી કરવાનો હક કોઈને પણ બંધારણે આપ્યો નથી. લોકોના જે મૂળભૂત અધિકાર છે એને કોર્ટ માન્યતા આપે છે એથી કોઈની પણ ગુપ્તતાનો ભંગ કરવામાં નિયમો બનાવવા પડે. કેન્દ્ર સરકાર દર વખતે રાષ્ટ્રીય સલામતીની વાત આગળ કરી શકે નહીં. સરકાર પોતાના વલણમાં સ્પષ્ટ નથી.’

આને ભારતમાં લાવ્યું કોણ? : રાહુલ ગાંધી

પેગાસસ જાસૂસી મામલે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય લોકશાહીને કચડવાનો આ એક પ્રયાસ હતો. દિલ્હીમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે પેગાસસનો ઉપયોગ કરીને માહિતી વડા પ્રધાન અને હોમ મિનિસ્ટર મેળવતા હતા. જો ચૂંટણી પંચ અને વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપ થઈને એ વડા પ્રધાન પાસે જતા હોય તો એ એક ગુનાહિત કૃત્ય છે. અમારા મતને આજે સુપ્રીમ કોર્ટે વાચા આપી છે. અમારે ત્રણ પ્રશ્નો હતા કોણ પેગાસસને લાવ્યું? કોની વિરુદ્ધ એનો ઉપયોગ થયો અને આપણા દેશના લોકોની માહિતી શું અન્ય દેશના લોકો સુધી પહોંચી.

national news supreme court rahul gandhi