જેઓ આંખ મારતા હતા તેઓ સ્પીકરને સવાલ કરી રહ્યા છે

12 March, 2026 02:51 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઓમ બિરલા સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો, અમિત શાહે કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવા માટે કૉન્ગ્રેસના સંસદસભ્ય મોહમ્મદ જાવેદ દ્વારા રજૂ કરાયેલા વિપક્ષના પ્રસ્તાવ પર ૧૨ કલાકથી વધુ સમય માટે ચર્ચા થયા પછી છેવટે ધ્વનિમતથી એને નકારી કાઢવામાં આવ્યો હતો. સરકાર વતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ ઠરાવના મુદ્દે જવાબ આપ્યો એમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કેટલી વાર લોકસભામાં હાજર રહે છે અને કયા વિષયો પર બોલે છે એની સંપૂર્ણ વિગતો આપ્યા બાદ વિપક્ષોએ હંગામો કર્યો હતો. એ પછી પીઠાસીન અધ્યક્ષ જગદંબિકા પાલે ઠરાવને મતદાન માટે ગૃહ સમક્ષ મૂક્યો હતો અને વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે સદને ધ્વનિમતથી ઠરાવને નકારી કાઢ્યો હતો.

સ્પીકર ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહી દરમ્યાન ભેદભાવનો આરોપ લગાવીને વિપક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અમિત શાહે ૫૬ મિનિટ સુધી જવાબ આપ્યો હતો અને એમાં તેમણે રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને ૧૪મી અને ૧૮મી લોકસભામાં બોલવા માટે મળેલા સમયનું વર્ણન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ‘ગૃહ નિયમો અનુસાર ચાલશે. સ્પીકરને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. આ સદન મેળો નથી. જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેમનાં માઇક્રોફોન બંધ કરવામાં આવશે.’
વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના અમિત શાહે કહ્યું હતું કે ‘અરે ભાઈ, અહીં આપણે નિયમો અનુસાર બોલવું પડે છે. અહીં ઘણા વરિષ્ઠ સભ્યો બેઠા છે. મને હજી પણ સમજાતું નથી કે શશી થરૂર અને બાલુસાહેબ અહીં કેમ બેઠા છે. તેઓ તેમને કેમ કંઈ શીખવતા નથી? તે આવીને વડા પ્રધાન મોદીને ગળે લગાવે છે, આંખ મારે છે, ફ્લાઇંગ કિસ આપે છે. મને તો બોલવામાં પણ શરમ આવે છે. જો હું કોઈની તરફ આંગળી ચીંધું છું તો ૪ આંગળીઓ મારી તરફ હોય છે.’

આ મુદ્દે વિપક્ષે નારા લગાવ્યા હતા કે ‘અમિત શાહ, માફી માગો.’

રાહુલ ગાંધીને જ્યારે બોલવાની તક હોય છે ત્યારે તેઓ જર્મની કે ઇંગ્લૅન્ડમાં હોય છે : અમિત શાહ

રાહુલ ગાંધીની સદનમાં ઉપસ્થિતિ વિશે અમિત શાહે કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા દાવો કરે છે કે તેમને બોલવાની મંજૂરી નથી, પરંતુ જ્યારે તક મળે છે ત્યારે તેઓ જર્મની કે ઇંગ્લૅન્ડમાં હોય છે. પછી તેઓ ફરિયાદ કરે છે. ૧૮મી લોકસભામાં કૉન્ગ્રેસના સભ્યો ૧૫૭ કલાક પંચાવન મિનિટ સુધી બોલ્યા. હું વિપક્ષના નેતાને પૂછવા માગું છું કે તેઓ ત્યારે કેમ બોલ્યા નહીં? તેમને કોણે રોક્યા? તેમના પક્ષમાંથી કોણે બોલવું એ નક્કી કરવાનો તેમનો અધિકાર છે. વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર પણ બોલતા નથી તો પછી તેઓ પ્રસ્તાવ કેમ લાવે છે? પ્રથમ, તેઓ બોલવા માગતા નથી. જો તેઓ બોલવા માગતા હોય તો પણ નિયમો મુજબ એમ કરવા માગતા નથી. તેઓ વક્ફ સુધારા અને કલમ ૩૭૦ જેવી ચર્ચાઓમાં ગેરહાજર હતા. SIR પર ચર્ચા ચાલી રહી હતી. વિરોધ પક્ષના નેતાને બોલવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બોલ્યા નહીં. તેમણે કોઈ પણ સરકારી બિલ પર ચર્ચામાં ભાગ લીધો નહોતો. તેમણે ૧૬મા, ૧૭મા, ૧૯મા, ૨૦મા અને ૨૧મા સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચામાં ભાગ લીધો નહોતો.’

national news india om birla rahul gandhi amit shah congress political news