જો કેન્દ્ર અને તમામ રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ સાથે મળીને કામ કરશે તો કોઈ પણ લક્ષ્ય અસંભવિત નથી

26 May, 2025 06:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દરેક રાજ્યએ ઓછામાં ઓછું એક પર્યટન-સ્થળ વિકસાવવું જોઈએ એમ જણાવીને નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કહ્યું...

ગઈ કાલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, મેઘાલયના મુખ્ય પ્રધાન કૉન્રાડ સંગમા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે નરેન્દ્ર મોદી.

દિલ્હીના ભારત મંડપમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો વિષય ‘૨૦૪૭માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો’ હતો. એમાં આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચર્ચા કરવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બેઠકમાં કહ્યું હતું કે ‘આપણે વિકાસની ગતિ વધારવી પડશે. જો કેન્દ્ર અને તમામ રાજ્યો ટીમ ઇન્ડિયાની જેમ સાથે મળીને કામ કરશે તો કોઈ પણ લક્ષ્ય અસંભવિત નથી. વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે. દરેક રાજ્યનો વિકાસ થશે ત્યારે ભારતનો વિકાસ થશે. આ એના ૧૪૦ કરોડ નાગરિકોની આકાંક્ષા છે. આ માટે દરેક રાજ્યએ ઓછામાં ઓછું એક પર્યટન-સ્થળ વિકસાવવું જોઈએ જેમાં વૈશ્વિક ધોરણો અનુસાર તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ હોય. આપણે ‘એક રાજ્ય : એક વૈશ્વિક સ્થળ’ના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. આનાથી નજીકનાં શહેરોનાં પ્રવાસન-સ્થળો તરીકે વિકાસનો માર્ગ મોકળો થશે.

કયા-કયા રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા ગેરહાજર?
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કેરલાના મુખ્ય પ્રધાન અને ડાબેરી નેતા પિનરાઈ વિજયન, પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન એન. રંગાસામી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં.

narendra modi new delhi indian economy national news news