મોદીની પટનાની હુંકાર રૅલીમાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓ દોષી કરાર

28 October, 2021 12:26 PM IST  |  New Delhi | Agency

એનઆઇએએ તેની તપાસ દરમ્યાન ૧૧ લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાંથી એક સગીર હોવાથી તેનો કેસ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. બાકીના પર કેસ ચલાવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે વર્ષ ૨૦૧૩માં તેમની રાજકીય રૅલીના સ્થળે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. એ સંદર્ભમાં સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે ગઈ કાલે ૧૦ વ્યક્તિને સજા ફરમાવી હતી, જ્યારે કે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. સ્પેશ્યલ એનઆઇએ જજ ગુરવિંદર મેહરોત્રાએ ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. 
એનઆઇએએ તેની તપાસ દરમ્યાન ૧૧ લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાંથી એક સગીર હોવાથી તેનો કેસ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. બાકીના પર કેસ ચલાવાયો હતો. ગઈ કાલે એકને બાદ કરતાં બાકીના તમામને દોષી ઠરાવાયા હતા, જેમની સજા પહેલી નવેમ્બરે જાહેર કરાશે એમ તપાસ એજન્સી સામે હાજર રહેલા પબ્લિક પ્રોસીક્યુટર લલ્લન પ્રસાદ સિંહે જણાવ્યું હતું.  દોષીઓમાં ઇમ્તિયાઝ અન્સારી, મુજિબુલ્લાહ, હૈદર અલી, ફિરાઝ અસ્લમ, ઓમાર અન્સારી, ઇફ્તેખાર, અહમદ હુસૈન, ઉમૈર સિદ્દીકી અને અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે, જ્યારે કે ફખરુદ્દીનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. 
શ્રેણીબદ્ધ બ્લાસ્ટ ૨૦૧૩ના ઑક્ટોબરની ૧૩ તારીખે ગાંધી મેદાનમાં થયા હતા, જ્યારે બીજેપીના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયેલા નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ હુંકાર રૅલી યોજાઈ હતી.

national news narendra modi