NIAએ કેરળ અને બંગાળમાંથી અલકાયદાના નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી

19 September, 2020 11:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

NIAએ કેરળ અને બંગાળમાંથી અલકાયદાના નવ સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી

ધરપકડ કરાયેલા નવ સંદિગ્ધ આતંકીઓ (તસવીર સૌજન્ય: ટ્વીટર)

રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)એ અલકાયદા (Al-Qaeda)ના નવ જેટલા સંદિગ્ધ આતંકીની ધરપકડ કરી છે. NIAએ શનિવારે સવારે મોટી કાર્યવાહી કરતા અલકાયદા મૉડ્યૂલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ માટે કેરળ અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે દરોડાં કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરોડાં અલકાયદાને લઈને સાવ નવા મામલા અંગે કરવામાં આવ્યા છે. દરોડાંની કાર્યવાહી કેરળના અર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કરવામાં આવી હતી. NIAની કાર્યવાહી હાલ ચાલુ છે.

NIAના જણાવ્યા પ્રમાણે, શનિવારે સવારે કેરળના અર્નાકુલમમાંથી ત્રણ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી છ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જે આતંકીઓની ધરપકડ કરી છે તેમાંથી મોટા ભાગના આતંકીઓની ઉંમર 20 વર્ષની આસપાસ જણાવવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી લ્યૂ ઈન અહમદ અને અબુ સૂફિયાન પશ્વિમ બંગાળથી, જ્યારે મોસારફ હુસૈન અને મુર્શીદ હસન કેરળથી છે.આ તમામ દેશમાં મોટો આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર ઘડી રહ્યા હતા. શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે, આ લોકોને સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા. આ ગેન્ગ પૈસા ભેગા કરવામાં લાગી ગઈ હતી. ગેન્ગના ઘણા સભ્ય હથિયાર અને દારૂગોળા ખરીદવા માટે દિલ્હી જવાના હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે.

NIAને બાતમી મળી હતી કે અલકાયદા, ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ માટે અનેક આંતકી દેશના પ્રતિષ્ઠિત સંસ્થાઓની રેકી કરી ચુક્યા છે અને બહુ ઝડપથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આવી બાતમી બાદ તપાસ એજન્સીએ પોતાના નેટવર્કને કામે લગાડ્યું હતું. તપાસમાં માલુમ પડ્યું કે અમુક આતંકીઓ કેરળ અને પશ્ચિમ બંગાળમાં છૂપાયેલા છે. આ લોકો કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. જે બાદમાં આજે સવારે NIAએ અર્નાકુલમ અને મુર્શિદાબાદમાં અનેક સ્થળે એક સાથે દરોડાં કર્યાં હતાં. દરોડાં દરમિયાન અલકાયદાના પાકિસ્તાન પ્રાયોજિત મૉડ્યુલ સાથે જોડાયેલા નવ આતંકીઓની ધરપકડ કરી હતી.

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા અલકાયદાના આતંકીઓ ઇઝરાયેલ સાંસ્કૃતિક અને ધાર્મિક સેન્ટરને નિશાન બનાવવાના હતા. આ આતંકીઓ 18 સપ્ટેમ્બરથી 11 ઓગસ્ટ વચ્ચે યહૂદી ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં અલગ અલગ સ્થળે ઇઝરાયેલના લોકો પર હુમલો કરવાના હતા. NIAની કાર્યવાહી હાલ ચાલુ છે.

national news india pakistan kerala west bengal