News In Short: લઘુમતીની ઓળખ મામલે કેન્દ્રએ સુપ્રીમ પાસે માગ્યો સમય

23 November, 2022 11:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હિન્દુઓ ૧૦ રાજ્યોમાં લઘુમતીમાં છે.

સુપ્રીમ કોર્ટ (તસવીર સૌજન્ય મિડ-ડે)

લઘુમતીની ઓળખ મામલે કેન્દ્રએ સુપ્રીમ પાસે માગ્યો સમય

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સ્તરે લઘુમતીની ઓળખ મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચાવિચારણા કરાઈ હતી, જે પૈકી ૧૪ રાજ્યોએ આ વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. બાકીનાં ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાની ટિપ્પણી રજૂ કરી નથી. આ મામલો સંવેદનશીલ છે તેમ જ એનાં દૂરગામી ​પરિણામો હશે. એથી મંતવ્યોને અંતિમ રૂપ આપવા થોડો વધુ સમય આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેન્દ્રને આ મામલે વધુ છ સપ્તાહનો સમય આપ્યો હતો. ઍડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી અરજીમાં રાજ્ય સ્તરે લઘુમતીની ઓળખ માટે માર્ગદર્શિકા ઘડવાની માગણી કરવામાં આવી છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે હિન્દુઓ ૧૦ રાજ્યોમાં લઘુમતીમાં છે.

ચીનમાં પ્લાન્ટમાં આગ લાગતાં ૩૮ જણનાં મૃત્યુ

બીજિંગ (પી.ટી.આઇ.) : મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં કપડાંનું ઉત્પાદન કરતી એક કંપનીમાં વિકરાળ આગ લાગતાં ઓછામાં ઓછા ૩૮ જણનાં મૃત્યુ થયાં હતાં. આ આગને ઓલવતાં ફાયર ફાઇટર્સને ચાર કલાક કરતાં વધારે સમય લાગ્યો હતો. હેનાન પ્રાંતના અન્યંગ સિટીના વેનફેંગ જિલ્લામાં એક પ્લાન્ટમાં સોમવારે આગ લાગી હતી. સ્થાનિક વહિવટી તંત્રે નિયમોની વિરુદ્ધ કામગીરી કરવા બદલ આ કંપનીને આગ માટે દોષી ગણાવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે વેલ્ડિંગ કામગીરી દરમ્યાન સ્પાર્કના કારણે ફૅક્ટરીમાં રહેલા કૉટન ફૅબ્રિકમાં આગ લાગી હતી.

national news new delhi supreme court china beijing hinduism indian government