News In short : સુપ્રીમ કોર્ટમાં ગૂગલને રાહત ન મળી

20 January, 2023 11:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગૂગલે એને ૧૩૩૭ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકવાની ના પાડતાં નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલના આદેશને પડકાર્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટમાં ગૂગલને રાહત ન મળી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલના આદેશની વિરુદ્ધ ગૂગલની અરજી પર વિચાર કરવાની ગઈ કાલે ના પાડી દીધી હતી. ગૂગલે એને ૧૩૩૭ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકવાની ના પાડતાં નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલના આદેશને પડકાર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહા અને જે.બી. પારડીવાલાની બેન્ચે આ અમેરિકન કંપનીને કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા લાદવામાં આવેલી દંડની ૧૦ ટકા રકમ સાત દિવસમાં જમા કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગૂગલની અરજી પર ૩૧મી માર્ચ સુધીમાં નિર્ણય કરવા નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલને જણાવ્યું છે. 

અરુણા મિલરે મૅરિલૅન્ડનાં પ્રથમ ભારતીય-અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર બની ઇતિહાસ સરજ્યો

વૉશિંગ્ટન  (પી.ટી.આઇ.) : અમેરિકાની રાજધાનીને અડીને આવેલા મૅરિલૅન્ડ રાજ્યના મૅરિલૅન્ડ હાઉસનાં ભૂતપૂર્વ પ્રતિનિધિ અને ભારતીય-અમેરિકન રાજકારણી ૫૮ વર્ષનાં અરુણા મિલરે બુધવારે રાજ્યનાં ૧૦મા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ ગ્રહણ કરીને એક નવો જ ઇતિહાસ સરજ્યો છે. ગવર્નર બાદ લેફ્ટનન્ટ ગવર્નરનો હોદ્દો મહત્ત્વનો મનાય છે. ગવર્નર રાજ્યની બહાર ગયા હોય કે પોતાનો હોદ્દો સંભાળવા અસમર્થ હોય ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર તેમની ભૂમિકા નિભાવે છે. આંધ્ર પ્રદેશમાં જન્મેલાં મિલરે ટ્વિટરના માધ્યમથી મૅરિલૅન્ડના રહેવાસીઓનો આભાર માનતાં જણાવ્યું કે તેઓ સાત વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર અમેરિકા સ્થળાંતર થયો હતો. 

શેડ્યુલ કરતાં પહેલાં ફ્લાઇટે ઉડાન ભરી, ૩૫ પૅસેન્જર્સ ઍરપોર્ટ પર રહી ગયા

અમ્રિતસર : અમ્રિતસર ઍરપોર્ટ પર ૩૫ પૅસેન્જર્સને છોડીને સિંગાપોર જતી ફ્લાઇટે શેડ્યુલ કરતાં પહેલાં જ ઉડાન ભરી હતી. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂટ ઍરલાઇનની ફ્લાઇટ બુધવારે રાતે ૭.૫૫ વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ એણે બપોરે ત્રણ વાગ્યે ઉડાન ભરી હતી, જેના લીધે ઍરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ ફ્લાઇટ ચૂકી ગયેલા પૅસેન્જર્સે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઍરપોર્ટ ઑથોરિટીઝે ઍરલાઇનના અધિકારીઓનો કૉન્ટૅક્ટ કર્યો તો તેમણે જણાવ્યું કે પૅસેન્જર્સને ઈ-મેઇલ દ્વારા ફ્લાઇટના ટાઇમમાં ફેરફાર વિશે જણાવવામાં આવ્યું હતું.

national news new delhi amritsar google supreme court washington