ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

26 July, 2021 08:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યેદિયુરપ્પાના અનુગામી બી. એલ. સંતોષ કે બીજું કોઈ?; ઑનલાઇન ક્લાસીસના ૫૫ ટકા વિદ્યાર્થીઓને આરોગ્યની તકલીફ અને વધુ સમાચાર

બી. એસ. યેદિયુરપ્પા

યેદિયુરપ્પાના અનુગામી બી. એલ. સંતોષ કે બીજું કોઈ?

નવી દિલ્હી: કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી બી. એસ. યેદિયુરપ્પાની વિદાય આજકાલમાં નિશ્ચિત મનાય છે ત્યારે બીજેપીના ટોચના નેતાઓ એ હોદ્દા પર તેમના અનુગામી તરીકે પક્ષના સંગઠન સચિવ બી. એલ. સંતોષને મોકલવાની વિચારણા કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ભાજપના ચીફ જે. પી. નડ્ડાએ ગઈ કાલે કહ્યું હતું કે યેદિયુરપ્પા કર્ણાટકનો કારભાર સારી રીતે ચલાવી રહ્યા છે.

કહેવાય છે કે આજે કર્ણાટક વિધાનસભા પક્ષની બેઠક યોજાય તો એમાં યેદિયુરપ્પા અસ્વસ્થ તબિયતનું કારણ દર્શાવતાં રાજીનામું આપશે. જોકે શક્તિશાળી લિંગાયત સમુદાયના અગ્રણી યેદિયુરપ્પાના અનુગામી બનવા માટે ત્રણ નાયબ મુખ્ય પ્રધાનો ગોવિંદ કરજોલ, ડૉ. અશ્વથ નારાયણ સી.એન. અને લક્ષ્મણ સુવાડી પણ ઉમેદવાર મનાય છે. એમાંથી લિંગાયત સમુદાયના લક્ષ્મણ સુવાડીનું નામ પણ અગ્રેસર મનાય છે. 

 

ઑનલાઇન ક્લાસીસના ૫૫ ટકા વિદ્યાર્થીઓને આરોગ્યની તકલીફ

લખનઉ: મહામારી દરમ્યાન લંબાઈ રહેલા ઑનલાઇન ક્લાસીસને કારણે લગભગ ૫૫ ટકા જેટલા સ્ટુડન્ટ્સને આરોગ્યલક્ષી સમસ્યાઓ થઈ રહી છે. આ સમસ્યાઓમાં મુખ્યત્વે માનસિક તણાવ, દૃષ્ટિ સંબંધિત સમસ્યા અને અનિદ્રા મુખ્ય છે. લખનઉસ્થિત સ્પ્રીંગ ડેલ કૉલેજ ચેઇન ઑફ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા ‘મહામારીના સમયમાં ઑનલાઇન શિક્ષણ અને સ્વાસ્થ્ય’ આ વિષય પર અભ્યાસ કરાયો હતો. અહેવાલમાં ૩૩૦૦ સ્ટુડન્ટ્સ અને ૧૦૦૦ વાલીઓ તેમ જ ૧૫૪ શિક્ષકો મળીને કુલ ૪૪૫૪ લોકોની પ્રતિક્રિયાઓને આવરી લેવામાં આવી હતી.

national news india karnataka lucknow