News In Shorts: બંગાળમાં ૩૪,૦૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કરાયા, ૧૦૦ જણની ધરપકડ

24 May, 2023 12:21 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

સોમવારથી દરોડાની શરૂઆત થઈ હતી અને મોડી રાત સુધી ચાલી હતી. મોટા ભાગે નાદિયા, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બંગાળમાં ૩૪,૦૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કરાયા, ૧૦૦ જણની ધરપકડ

પશ્ચિમ બંગાળના જુદા-જુદા રૂરલ એરિયામાં દરોડા પાડીને પોલીસે ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને પ્રતિબંધિત ફટાકડાઓ જપ્ત કર્યા હતા અને ગેરકાયદે મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરીઝ ચલાવવામાં કથિત સંડોવણી બદલ ઓછામાં ઓછા ૧૦૦ જણની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ૧૩૨ કેસ નોંધ્યા છે. સોમવારથી દરોડાની શરૂઆત થઈ હતી અને મોડી રાત સુધી ચાલી હતી. મોટા ભાગે નાદિયા, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ૩૪,૦૦૦ કિલો વિસ્ફોટકો અને પ્રતિબંધિત ફટાકડાને જપ્ત કરવામાં આવ્યા છે. 

અમેરિકાના રાજદૂત મોદીના નેતૃત્વ પર થયા આફરીન

અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ વડા પ્રધાન મોદીનું નેતૃત્વ અને એમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પરિવર્તન લાવનારી નીતિઓની પ્રશંસા કરી હતી, જેને કારણે બન્ને દેશો વચ્ચે સહકારની નવી તકો ઊભી થઈ છે. યુએસ ઇન્ડિયા 5G ઍન્ડ નેક્સ્ટ જનરેશન નેટવર્ક્સ વર્કશૉપના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે ભારત હાલ અદ્ભુત હાથોમાં છે. મોદીના નેતૃત્વમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર વિકાસનાં નવાં શિખરો સર કરે છે. 5G અમેરિકા અને ભારતના ઇકૉનૉમી માટે મહત્ત્વની છે.

યુકેમાં ફૅમિલી મેમ્બર્સને લાવવાના ફૉરેન સ્ટુડન્ટ્સના અધિકાર પર અંકુશ મુકાયો

યુકે સરકારે ગઈ કાલે ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારો કર્યા છે, જેના લીધે ભારતીયો સહિતના ફૉરેન સ્ટુડન્ટ્સને અસર થશે. બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન મેળવનારા ફૉરેન સ્ટુડન્ટ્સના ડિપેન્ડન્ટ ફૅમિલી મેમ્બર્સને દેશમાં લાવવા માટેના વિઝા રાઇટ પર અસર થશે. રિસર્ચ પ્રોગ્રામ્સ ગણવામાં આવતાં પોસ્ટગ્રૅજ્યુએટ કોર્સિસ કરી રહેલા ફૉરેન સ્ટુડન્ટ્સને બાળકો અને પેરન્ટ્સ સહિતના તેમના ફૅમિલી મેમ્બર્સને લાવવાની મંજૂરી છે. ડિસેમ્બર ૨૦૨૨માં સમાપ્ત થતા વર્ષમાં સ્પોન્સર્ડ સ્ટુડન્ટ્સના ડિપેન્ડન્ટ્સને ૧,૩૬,૦૦૦ વિઝા અપાયા હતા. 

સાળંગપુરના હનુમાનજીદાદાને કેરીનો અન્નકૂટ ધરાવાયો 

ઉનાળાની આ સીઝનમાં કેસર કેરી, આફુસ કેરી, લંગડો કેરી, સુંદરી કેરી સહિતની જાતભાતની કેરીઓથી માર્કેટ ઊભરાઈ રહ્યાં છે અને લોકો તેમને પોસાય એ રીતે કેરીનો રસાસ્વાદ માણી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હનુમાનજીદાદાને દિવ્ય વાઘા ધરાવીને મંગળા આરતી તેમ જ ત્યાર બાદ સવારે સાત વાગ્યે શણગાર આરતી કરીને દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભાવિકોએ હનુમાનજીદાદાનાં દર્શન કરીને તેમ જ કેરીના અન્નકૂટનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

national news international news narendra modi gujarat news west bengal united kingdom