News In Short: કૅનેડામાં હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું

01 February, 2023 11:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૉરોન્ટોમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે ગૌરી શંકર મંદિરને નુકસાન પહોંચાડવામાં આવતાં કૅનેડામાં રહેતા ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૅનેડામાં હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું

નવી દિલ્હી (પી.ટી.આઇ.): કૅનેડાના બ્રામ્પ્ટનમાં એક હિન્દુ મંદિર પર સ્પ્રેથી ભારત વિરોધી લખાણ લખવામાં આવતાં અહીં રહેતા ભારતીયોમાં રોષની લાગણી ફેલાઈ છે. ટૉરોન્ટોમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે ગૌરી શંકર મંદિરને નુકસાન પહોંચાડવામાં આવતાં કૅનેડામાં રહેતા ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચી છે. કૉન્સ્યુલેટે ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કૅનેડિયન ઑથોરિટીઝ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કૅનેડામાં હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય એમ પહેલી વાર બન્યું નથી. કૅનેડામાં ગયા વર્ષે જુલાઈથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ત્રણ હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. બ્રામ્પ્ટનમાં મંદિરની દીવાલો પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’, ‘હિન્દુસ્તાન મુરદાબાદ’ના નારા લખવામાં આવ્યા હતા.

ગુજરાત અને અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન કરવા ભલામનવી

દિલ્હી : સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન માટે ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલના નામની કેન્દ્ર સરકારને ગઈ કાલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડના નેતૃત્વમાં કોલેજિયમના છ મેમ્બર્સે સર્વાનુમતે જસ્ટિસ બિંદલના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ કે. એમ. જોસેફને જસ્ટિસ કુમારના નામની ભલામણ સામે વાંધો હતો.

વ્હીલ્સ થંભી ગયાં

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રામબનમાં ભૂસ્ખલનને કારણે સળંગ બીજા દિવસે પણ ટ્રાફિક બંધ થઈ જતાં કાઝીગુંદ પાસે જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર વાહનો ફસાઈ ગયાં હતાં. તસવીર: તસવીર પી.ટી.આઇ.

ઍર ઇન્ડિયા પી-પી કાંડ : શંકર મિશ્રાને જામીન મળ્યા

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : દિલ્હીની અદાલતે ગઈ કાલે શંકર મિશ્રાના જામીન મંજૂર કર્યા હતા. તેના પર ઍર ઇન્ડિયાની ન્યુ યૉર્કથી દિલ્હીની ફ્લાઇટમાં મહિલા કો-પૅસેન્જર પર પેશાબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઍડિશનલ સેશન્સ જજ હરજ્યોત સિંહ ભલ્લાએ એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર તેને રાહત આપી હતી. આ પહેલાં મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટે અગિયારમી જાન્યુઆરીએ મિશ્રાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 

national news new delhi srinagar air india canada hinduism jammu and kashmir