29 March, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈની તસવીરો : અતુલ કાંબળે
વર્લ્ડ વાઇડ ફન્ડ ફૉર નેચરની પહેલથી ઊર્જા-સંરક્ષણ અને જળવાયુ-પરિવર્તન પ્રત્યે જાગરૂકતા વધારવા માટે ગઈ કાલે સાંજે ૮.૩૦થી ૯.૩૦ દરમ્યાન ભારતભરમાં અર્થ અવરની ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં બિનજરૂરી લાઇટ્સ અને વીજળીનાં ઉપકરણો એક કલાક માટે બંધ રાખવામાં આવે છે. ભારતમાં મુંબઈ, દિલ્હી સહિત મોટાં શહેરોમાં એક કલાક માટે અંધારું છવાયું હતું. મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, હુમાયુ કા મકબરા જેવાં અનેક મુખ્ય સ્મારકો પૃથ્વીના સંરક્ષણ માટેની પહેલમાં અંધારપટ પાળીને જોડાયાં હતાં. ઊર્જાની બચત કરીને પર્યાવરણ પ્રત્યે સભાનતાનો સંદેશ આપવાના ઉદ્દેશથી એક કલાકનો સાંકેતિક અંધારપટ પળાયો હતો.
અયોધ્યામાં સરયૂ નદીના કિનારે બાટીવાલે બાબા રાજઘાટ ખાતે આયોજિત ૭ દિવસના શ્રી લક્ષ્મીનારાયણ મહાયજ્ઞના અંતિમ દિવસે ગઈ કાલે બપોરે અજ્ઞાત કારણોસર યજ્ઞશાળાના વિશાળ પંડાલમાં ભીષણ આગ લાગી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ફાયર-બ્રિગેડે ૧૦ ફાયર-ટેન્ડરોની મદદથી લગભગ બે કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ શોધવા માટે એક ટેક્નિકલ ટીમ તૈયાર કરવામાં આવશે.આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંડાલમાં હાજર હતા, જેના કારણે થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. જોકે સુરક્ષા-કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પરિવહનપ્રધાન દયાશંકર સિંહ દ્વારા આયોજિત આ મહાયજ્ઞનો ગઈ કાલે સાતમો અને અંતિમ દિવસ હતો. પૂર્ણાહુતિ અને અંતિમ દર્શન સાંજે ૬ વાગ્યે થવાનાં હતાં, પરંતુ બપોરે અચાનક લાગેલી આગે થોડી જ વારમાં સમગ્ર યજ્ઞશાળાને ઘેરી લીધી હતી.
ભિવંડીના સાપે વિલેજમાં આવેલી લાઇટરની ફૅક્ટરીમાં ગઈ કાલે સાંજે છ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયરબ્રિગેડનાં બે ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણવા મળ્યું નહોતું. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.
ગઈ કાલે કાંદિવલીના એક પેટ્રોલ-પમ્પ પર ડીઝલનો સ્ટૉક નથી એવું લખેલી કાપલીઓ ચોંટાડેલી જોવા મળી હતી.
૧૬૦ પ્રવાસી ધરાવતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લૅન્ડિંગ. ૧૬૦ પ્રવાસીઓ સાથે વિશાખાપટનમથી દિલ્હી જતી ઇન્ડિગો ઍરલાઇન્સની એક ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થયા બાદ દિલ્હી ઍરપોર્ટ પર એનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ હવામાં હતી ત્યારે ટેક્નિકલ સમસ્યાની જાણ થઈ હતી. માહિતી મળ્યા બાદ દિલ્હી ઍરપોર્ટના રનવે ૨૮ પર સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઇટને લૅન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરીને મોટી દુર્ઘટના ટાળી દેવામાં આવી હતી. લૅન્ડિંગ પછી બધા મુસાફરો સુરક્ષિત હતા. જોકે મુસાફરો ગભરાઈ ગયા હતા. ઇન્ડિગો ફ્લાઇટ-નંબર 6E 579 માટે સવારે ૧૦.૩૯ વાગ્યે કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાન સવારે ૧૦.૫૯ વાગ્યે લૅન્ડ થયું હતું.
મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની અછત થઈ શકે એવી આશંકા છે ત્યારે વધુ ને વધુ લોકો ભારતમાં જ ઉત્પન્ન કરાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) વાપરતા થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે અને એ માટે રાજ્ય સરકાર મોટો નિર્ણય લે એવી શક્યતા છે. પાણીનાં જોડાણો અને વીજળીજોડાણો પૂરા પાડવા માટેની શરતો અને નિયમો અનુસાર PNG કનેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવશે. ખાડીમાં યુદ્ધને કારણે LPGની મોટી અછત અનુભવાવા લાગી છે. આના ઉકેલ તરીકે ભારત સરકાર હવે PNGનું ઉત્પાદન વધારી રહી છે. ૯ લાખ મેટ્રિક ટન PNGનું ઉત્પાદન થઈ રહ્યું હતું, હવે ક્ષમતા વધારીને ૧૧ લાખ મેટ્રિક ટન કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને નગરપાલિકાઓને PNG કનેક્શન આપવાની શરતોમાં છૂટ આપવાનો આદેશ આપ્યો છે.