કૉન્ગ્રેસે ફરી વખત માર્ક ઝુકરબર્ગને પત્ર લખી પૂછ્યું....

30 August, 2020 10:22 AM IST  |  New Delhi | Agencies

કૉન્ગ્રેસે ફરી વખત માર્ક ઝુકરબર્ગને પત્ર લખી પૂછ્યું....

માર્ક ઝુકરબર્ગ

કૉન્ગ્રેસે સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને બીજેપી તરફ પક્ષપાતની એક મહિનામાં બીજી વખત ફરિયાદ કરી હતી. આ વખતે કૉન્ગ્રેસના નેતાઓએ અગાઉના બીજેપી તરફ પક્ષપાતના આરોપો અને ફરિયાદોના અનુસંધાનમાં ફેસબુકના સંચાલકો તરફથી શી કાર્યવાહી કરવામાં આવી, એવો સવાલ પૂછવામાં આવ્યો છે. કૉન્ગ્રેસે ભારતના શાસક પક્ષ બીજેપીના કાર્યકરો અને ફેસબુકના કર્મચારીઓની ‘મિલીભગત’ના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની પણ માગણી કરી હતી.

ટાઇમ મૅગેઝિનના રિપોર્ટમાં ફેસબુક અને બીજેપી કાર્યકરોની સાંઠગાંઠ અને એ સોશ્યલ મીડિયા કંપનીના પક્ષપાતના વધુ પુરાવા મળ્યા હોવાનો દાવો કૉન્ગ્રેસે કર્યો હતો. એ બાબતે ફેસબુક કે બીજેપી તરફથી કોઈ પ્રત્યાઘાત મળ્યા નહોતા. જોકે અગાઉ વૉલ સ્ટ્રીટ જર્નલ અખબારમાં આ પ્રકારના આરોપોની ચર્ચામાં બીજેપી અને ફેસબુક બન્ને તરફથી પ્રત્યાઘાત વ્યક્ત કરવામાં આવ્યા હતા. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટાઇમ મૅગેઝિનનો રિપોર્ટ ટૅગ કરીને વૉટ્સઍપ-બીજેપી વચ્ચે સાંઠગાંઠનો આરોપ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે ‘૪૦ કરોડ ભારતીયો જેનો ઉપયોગ કરે છે, એ વૉટ્સઍપ જે પેમેન્ટ માટે મોદી સરકારની પરવાનગીની જરૂર હોય એને માટે પણ વપરાઈ રહ્યું છે.’

national news mark zuckerberg facebook congress bharatiya janata party