સાવધાન! નવા વેરિયન્ટ સાથે કોરોનાની વાપસી, ભારતમાં અપાઈ ચેતવણી, જાણો શું છે આ નવો વેરિયન્ટ

26 November, 2021 01:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ બી.1.1.529 સામે આવ્યો છે. આ વેરિયન્ટમાં અત્યાર સુધીમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ધીમે ધીમે જયાં કોરોના મહામારી (Covid-19)ની અસર ઘટી રહી છે, તેવામાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ બી.1.1.529 ( b.1.1.529 variant)  સામે આવ્યો છે. આ વેરિયન્ટમાં અત્યાર સુધીમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકના મતે આ વાયરસ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં પણ વઘારે ઘાતક હોવાનું જણાવી રહ્યાં છે. આ વેરિયન્ટને કારણે કેન્દ્ર સરકારે રાજ્યોનો ચેતવણી આપી છે. 

છેલ્લા બે વર્ષમાં કોરોના લાખો લોકોનો જીવ લઈ ચુક્યો છે. કેટલાય દેશોમાં તો કોરોનાની એ હદે માઠી અસર પડી છે કે તેમની અર્થવ્યવસ્થા ચાર થી પાંચ વર્ષ પાછળ ખસેડાઈ ગઈ છે. આની વચ્ચે એક નવો વેરિયન્ટ સામે આવતા ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાં બી.1.1.529 નામનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિક અનુસાર આ વેરિયન્ટ સૌથી જોખમી અને ઘાતક વેરિયન્ટ છે. ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધારે ખતરનાક બી.1.1.529 વેરિયન્ટ છે. 

કોરોનાના આ નવા વેરિયન્ટના દુનિયાભરમાં અત્યાર સુધીમાં 26 કેસ સામે આવ્યાં છે. આ કેસો બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં નોંધાયા છે.  આ વેરિયન્ટમાં અત્યાર સુધીમાં 32 મ્યુટેશન જોવા મળ્યા છે. જે અન્ય વેરિયન્ટમાં થતા મ્યુટેશન કરતાં વધુ છે. તેથી તેને ખૂબ જ ખતરનાક અને ચેપી ગણાવવામાં આવી રહ્યું છે.

કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યા પછી ધીમે ધીમે તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેમના દરવાજા ખોલવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન નવા વેરિયન્ટે ફરી એકવાર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનામાં નવા પ્રકારો સામે આવ્યા બાદ બ્રિટને દક્ષિણ એશિયાના છ દેશોની મુસાફરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

કોરોનાના આ નવા વેરિયન્ટના સંક્રમણનો અંદાજ આ વખતે જ લગાવી શકાય છે કે ભારતે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને સૂચનાઓ જારી કરવામાં આવી છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા તમામ મુસાફરોની કડક તપાસ અને પરીક્ષણ કરવામાં આવે. આ અંગે કેન્દ્રીય રાજ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. આ ખતરાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ શુક્રવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

આ વેરિયન્ટ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતાં વધુ ખતરનાક હોવાનું નોંધાયું છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વેરિયન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઈક પ્રોટીન મ્યુટેશન તેમજ વાયરલ જીનોમના અન્ય ભાગોમાં મ્યુટેશન છે. સંભવિત જૈવિક રીતે મહત્વપૂર્ણ પરિવર્તન કે જે રસીઓ, સારવાર અને ટ્રાન્સમિશનના સંદર્ભમાં વાયરસના વર્તનને બદલી શકે છે. આના માટે વધુ તપાસ અને સાવચેતીની જરૂર છે.

coronavirus national news covid19