05 January, 2026 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍર ટ્રાવેલર્સ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ફ્લાઇટમાં પાવર બૅન્ક ચાર્જ કરવા પર કે પૅસેન્જર-સીટની પાવર-સિસ્ટમ સાથે કનેક્ટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લિથિયમ બૅટરીમાં આગ લાગવાની અનેક ઘટનાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે પાવર બૅન્ક પ્રવાસીઓ પોતાની સાથે રાખી શકશે. ટ્રાવેલર્સ પોતાની હૅન્ડ-બૅગમાં જ બૅટરી રાખી શકાશે. ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં બીજા સામાન સાથે બૅટરી મૂકવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે એવા સ્થળે આગ લાગે તો એને ડિટેક્ટ અને કન્ટ્રોલ કરવી ખૂબ મુશ્કેલ હોય છે.
એમિરેટ્સ, સિંગાપોર ઍરલાઇન્સ અને કતર ઍરવેઝ જેવી અનેક ગ્લોબલ ઍરલાઇન્સે પહેલાંથી જ ફ્લાઇટમાં પાવર બૅન્કના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રાવેલર્સ માટે ફક્ત ૧૦૦ વૉટ અવર્સની કૅપેસિટીવાળી પાવર બૅન્ક લઈ જવાની મંજૂરી છે. જોકે એ બૅટરીને પણ ઑન-બોર્ડ ચાર્જ કરવા પર પ્રતિબંધ છે.\
લિથિયમ બૅટરી કેમ ખતરનાક છે?
લિથિયમ બૅટરી આગનું જોખમ વધારે છે કારણ કે એ હાઈ પાવર ઇલેક્ટ્રિક એનર્જીથી ભરેલી હોય છે. ઓવરચાર્જિંગ અને શૉર્ટ-સર્કિટ જેવાં કારણોને લીધે જો બૅટરીમાં આગ લાગે તો મોટા વિસ્ફોટની પણ સંભાવના રહે છે. ફ્લાઇટમાં એનો ઉપયોગ અત્યંત જોખમી છે.