ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમમાં આજથી આ ફેરફાર

01 October, 2020 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમમાં આજથી આ ફેરફાર

પ્રતીકાત્મક તસવીર

બૅન્કિંગ પ્રણાલીમાં થતી છેતરપિંડીઓને રોકવા માટે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં અમૂક ફેરફાર કર્યા છે. આ નવા નિયમો આજથી અમલી બન્યા છે. આરબીઆઈના નવા નિયમોથી કાર્ડ ટ્રાન્ઝેક્શનની સુરક્ષામાં સરળતા અને સલામતિ રહેશે.

નવા નિયમ અંતર્ગત કાર્ડ ધારકો નાણા ઉપાડની મર્યાદા (વિડ્રોઅલ) અને ટ્રાન્સઝેક્શન મર્યાદામાં ફેરફાર કરી શકશે. નવા કાર્ડ લેતા સમયે આ સુવિધા યુઝરને મળશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કાર્ડ સંબંધિત કૌભાંડને રોકી શકાય તેમ જ ગ્રાહકો પોતાના ભંડોળનું વ્યવસ્થિત સંચાલન કરી શકે.

કાર્ડમાં ખર્ચ અને ઉપાડની મર્યાદા રાખવાથી સાયબર કે એટીએમ કૌભાંડમાં પણ મર્યાદા રહેશે, એમ ઈન્ડિયાલેન્ડ્સના સીઈઓ ગૌરવ ચોપરાએ ફાઈનાન્સિયલ એક્સપ્રેસને જણાવ્યું છે.

નવા નિયમ મુજબ ગ્રાહકો પોતે જ કાર્ડમાં ટ્રાન્ઝેક્શન લીમીટ, ખર્ચ મર્યાદા જેવી વિવિધ સર્વિસની મર્યાદા પોતે જ નક્કી કરી શકશે. તેમ જ અન્ય સર્વિસીસ, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન્સનો વિકલ્પ પણ પસંદ કરી શકશે. દરેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફક્ત ભારતના એટીએમ અને પોઈન્ટ ઓફ સેલમાં ચાલશે, જો વિદેશમાં વાપરવા હોય તો તેના માટે સંબંધિત બૅન્ક પાસેથી આ સુવિધા મેળવવાની રહેશે. અગાઉ મોટા ભાગના કાર્ડ વિદેશમાં પણ ચાલતા હતા.

જો કોઈ કાર્ડથી ભારત કે વિદેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન થતું હોય તો તેવા કાર્ડને ડિસેબલ કરવાનો આદેશ આરબીઆઈએ દરેક બૅન્કો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓને આપ્યો છે.

નવા નિયમ મુજબ, ગ્રાહકો ટ્રાન્ઝેક્શન લીમીટ પોતે જ નક્કી કરી શકશે તેમ જ સુવિધાને ઓન કે ઓફ કરવી અથવા ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ફેરફાર પણ કરી શકશે. મોબાઈલ એપ, ઈન્ટરનેટ બૅન્કિંગ, એટીએમ, ઈન્ટરેક્ટીવ વોઈલ રિસ્પોન્સ (આઈવીઆર)ના માધ્યમે આ ફેરફાર ગ્રાહકો કરી શકશે.

અત્યારે લોકો પાસે જે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તેમણે નિર્ણય લેવાનો રહેશે કે તેમણે વર્તમાન કાર્ડને ડિસેબલ કરીને નવો કાર્ડ લેવો છે કે નહીં. આ દરેક નવા નિયમો ફક્ત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે જ છે.

reserve bank of india national news