આત્મગૌરવ, આત્મનિર્ભરતા અને સર્વસમાવેશકતા નવી સંસદનો આત્મા

28 May, 2023 10:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના વાઇબ્રન્ટ કલર્સની એમાં ઝલક મળે છે, એનું ફર્નિચર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું

નવી દિલ્હીમાં ગઈ કાલે ઉદ્ઘાટન પહેલાં લાઇટિંગથી રોશન નવા સંસદભવનનો વ્યુ

મહારાષ્ટ્રના નાગપુરથી સાગનું લાકડું, ઉત્તર પ્રદેશના મિરઝાપુરથી કાર્પેટ્સ, ​ત્રિપુરાથી બામ્બુ ફ્લોરિંગ અને રાજસ્થાનના નકશીકામવાળા પથ્થરો સહિત નવા સંસદભવનમાં ભારતના વાઇબ્રન્ટ કલર્સ અને વૈવિધ્યતાની ઝલક મળે છે. એનું ફર્નિચર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. સંસદભવનનું આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ સંસદભવનની રિસર્ચ કામગીરીમાં સામેલ નવી દિલ્હીસ્થિત ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધ આર્ટ્સના મેમ્બર સેક્રેટરી, એક્ઝિક્યુટિવ અને ઍકૅડેમિક હેડ સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે આ સંસદભવનની વિશેષતા આત્મનિર્ભરતા, સર્વસમાવેશ અને આત્મગૌરવ છે, જેમાં અંગ્રેજોની ગુલામીની છાપ નથી, પરંતુ ભારતના તમામ લોકોને સાથે લઈને ચાલવાની ભાવના અને આત્મનિર્ભરતાનું રિફ્લેક્શન છે. નવા સંસદભવનના બાંધકામ માટે દેશભરમાંથી મેળવવામાં આવેલાં જુદાં-જુદાં મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

નવી દિલ્હીમાં ગઈ કાલે પીએમ મોદીને સેંગોલ સોંપતા શ્રી શ્રી અંબાલવનન દેસિકા પરમાચાર્ય સ્વામીગલ

નિર્માણ માટે દેશના કયા ભાગમાંથી શેનો ઉપયોગ થયો?

૧. રાજસ્થાનના સરમાથુરમાંથી લાલ અને વાઇટ સૅન્ડસ્ટોન મેળવવામાં આવ્યા હતા. 
૨. આ ભવનમાં ઉપયોગમાં લેવામાં આવેલું સાગનું લાકડું મહારાષ્ટ્રના નાગપુરમાંથી મેળવવામાં આવ્યું છે. 
૩. રાજસ્થાનમાં અંબાજી પાસેથી વાઇટ માર્બલ, ઉદયપુરમાંથી કેશરિયા ગ્રીન સ્ટોન, જ્યારે અજમેર પાસે લેખામાંથી રેડ ગ્રેનાઇટ મેળવવામાં આવ્યા છે.  
૪. લોકસભા અને રાજ્યસભામાં ફૉલ્સ સીલિંગ્સ માટેનું સ્ટીલ સ્ટ્રક્ચર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાંથી મેળવવામાં આવ્યું છે, જ્યારે નવા બિલ્ડિંગમાં ફર્નિચર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું છે. 
૫. બિલ્ડિંગમાં જાળી વર્ક માટે સ્ટોન રાજસ્થાનના રાજનગર અને ઉત્તર પ્રદેશના નોએડામાંથી મેળવવામાં આવ્યા છે. 
૬. અશોક ચિહ્‍‍ન માટેનું મટીરિયલ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરમાંથી મેળવાયું છે. 
૭. પથ્થરો પર કોતરણી કામ આબુ રોડ અને ઉદયપુરના શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું છે. 
૮. નવા ભવનના બાંધકામ માટે કૉન્ક્રીટ મિક્સ તૈયાર કરવા માટે હરિયાણાના ચારખી દાદરીમાંથી રેતી મેળવવામાં આવી હતી. 
૯. બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવેલી ફ્લાય ઍશ ઇંટ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી મેળવવામાં આવી છે, જ્યારે બ્રાસ વર્ક્સ અને પ્રી-કાસ્ટ ટ્રેન્ચીઝની કામગીરી ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવી હતી. 
૧૦. સંસદભવનના એક્ટિટિરિયર્સ મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી મેળવવામાં આવ્યા છે. 

national news maharashtra new delhi Lok Sabha raj bhavan vidhan bhavan