પહેલાં 50 લાખ, પછી 70 લાખ ...ને હવે 1 કરોડ : ટ્રમ્પ માંગે મોર

22 February, 2020 11:17 AM IST  |  New Delhi

પહેલાં 50 લાખ, પછી 70 લાખ ...ને હવે 1 કરોડ : ટ્રમ્પ માંગે મોર

ડોનલ્ડ ટ્રમ્પ

૨૪ ફેબ્રુઆરીએ ભારતની અને સીધા ગુજરાતની મુલાકાતે આવી રહેલા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય પરીક્ષા લઈ રહ્યા છે કે પછી ‘ઉમ્મીદ સે જ્યાદા’ની આશા રાખી રહ્યા છે પોતાના શાહી સ્વાગત માટે? આ મહત્ત્વનો સવાલ હવે સત્તાની ગલીઓમાં એટલા માટે ચર્ચાઈ રહ્યો છે, કેમ કે ટ્રમ્પે આજે બીજેપીને પરસેવો છૂટી જાય એવી વાત અમેરિકામાં જાહેર મંચ પરથી કહી કે અમદાવાદમાં તેમના સ્વાગત માટે મોદીજીએ પહેલાં તો ૬૦થી ૭૦ લાખ લોકો હાજર રહેવાનું કહ્યું હતું, પણ હવે જો એક કરોડ (૧૦ મિલ્યન) કરતાં ઓછી ભીડ હશે તો તેઓ સંતુષ્ટ નહીં થાય! એટલે કે એકાદ કરોડ લોકોની ભીડ હશે તો જ તેમને સંતોષ થશે કે ‘હાશ સારું સ્વાગત થયું!’

આજના તેમના આ વલણ વિશે કેટલાક તેમને જિદ્દી બાળક સમાન માની રહ્યા છે તો બીજી તરફ એવી ચર્ચા છે કે શું ખરેખર વડા પ્રધાને તેમને તેમના સ્વાગત માટે અમદાવાદમાં ૬૦થી ૭૦ લાખ લોકોની ભીડ હાજર રહેશે એમ કહ્યું છે? કેમ કે આખા અમદાવાદની કુલ વસ્તી જ ૭૦ લાખ છે અને ઍરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે ૧૧ કિલોમીટરના વિસ્તારમાં ૬૦થી ૭૦ લાખ અથવા ટ્રમ્પે દાવો કર્યો છે એમ ૧ કરોડની ભીડ ક્યાંથી લવાશે?!

શું ટ્રમ્પ ‘યે દિલ માંગે મોર’ની જેમ તેમના સ્વાગત માટેની ભીડનો આંકડો વધારીને બીજેપીના ટેન્શનમાં વધારો તો નથી કરી રહ્યા કે પછી પોતાના સ્વભાવ અનુસાર નાની બાબતને વધારે પડતી ગણાવી રહ્યા છે કે તેમના સ્વાગત માટે હવે એક કરોડ લોકોની ભીડ સડકો પર હશે જે ઉપરથી જોવામાં મગફળી સમાન લાગશે?

બીજેપી અને કેન્દ્ર તથા ગુજરાત સરકારમાં હવે અંદરખાને ગણગણાટ હોઈ શકે કે શું ટ્રમ્પને કોઈએ સ્વાગત માટે કેટલી ભીડના ખોટા આંકડા આપવામાં આવ્યા છે કે પછી જેમણે આંકડા આપ્યા તેમણે લાખ અને મિલ્યન (૧૦ લાખ) વચ્ચેના અર્થની ખબર નથી? કે પછી ટ્રમ્પ જાણીજોઈને પોતાના સ્વભાવગત સ્વાગત માટેના ભીડના આંકડામાં વધારો આપમેળે કરીને ભારત સરકાર અને ખાસ કરીને બીજેપી માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે? આવા અનેક સવાલ તેમના આગમન પહેલાં ચકરાવે ચડ્યા છે. ટ્રમ્પે આ ઉપરાંત ફરી એક વાર કહ્યું કે ભારત સાથે વ્યાપારિક સંબંધો સારા નથી અને દુનિયામાં સૌથી વધુ ટૅરિફ ભારતની છે.

ટ્રમ્પે કહ્યું કે ત્યાં એટલી ભીડ આવશે જાણે હવે હું બીટલ્સ જેવો લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોએ બહાર ઊભા રહેવું પડશે.

નોંધનીય છે કે આ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પ ભીડને લઈ અલગ-અલગ દાવા કરી ચૂક્યા છે. એક નિવેદનમાં તેમણે ૫૦ લાખ લોકો એકત્ર થવાની વાત કહી હતી, તો ગુરુવારે આપેલા પોતાના નિવેદનમાં ભીડનો આંકડો ૭૦ લાખ રહેશે એવો દાવો કર્યો હતો.

આ દરમ્યાન ટ્રમ્પનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું કે હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર વિશે વાત કરીશું. અમારા પર છેલ્લા એક વર્ષથી અસર પડી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પ સતત પોતાનાં નિવેદન ફેરવી રહ્યાં છે. આ અગાઉ જ ટ્રમ્પે કોઈ મહત્ત્વનો વેપાર કરાર નહીં થાય એવી વાત કરી હતી. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારેના પ્રવાસે આવી રહ્યા છે.

કોઈ આ પણ વિચારશે ખરું?

લાખ અને મિલ્યન (૧૦ લાખ) વચ્ચેનો અર્થ સમજવામાં કે ટ્રમ્પને સમજાવવામાં કોઈકે ભૂલ કરી કે કેમ એવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.
આખા અમદાવાદની વસ્તી જ ૭૦ લાખ છે તો એક કરોડ લોકો ક્યાંથી આવે કે લાવે?

મોદીજી, મારા સ્વાગતમાં એક કરોડ લોકો હશે તો જ મજા આવશે

- ડોનલ્ડ ટ્રમ્પ

new delhi donald trump national news