સર્વોચ્ચ અદાલતે ત્રણ કૃષિ કાયદાનો અમલ સ્થગિત કર્યો

13 January, 2021 07:21 AM IST  |  New Delhi | Agency

સર્વોચ્ચ અદાલતે ત્રણ કૃષિ કાયદાનો અમલ સ્થગિત કર્યો

સુપ્રીમ કોર્ટ- ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેના ત્રણ કાયદાનો અમલ સ્થગિત કરવાનો આદેશ ગઈ કાલે સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. અદાલતે એ કાયદા વિશે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાનાર હોવાનું જાહેર કરતાં વધુ આદેશ ન અપાય ત્યાં સુધી એ ત્રણ કાયદાનો અમલ સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ શરદ બોબડે, ન્યાયમૂર્તિ એ. એસ. બોપન્ના અને ન્યાયમૂર્તિ વી. રામાસુબ્રમણ્યમની બેન્ચે દિલ્હી શહેરની સરહદે ચાલતા આંદોલન-સંઘર્ષના નિકાલ માટે ચાર સભ્યોની સમિતિ નિયુક્ત કરી હતી.

અદાલતે ખેડૂત સંગઠનોની માગણીઓ અને ફરિયાદો સાંભળીને તેમનો નિકાલ લાવવાની ભલામણો કરવા સમિતિ નિયુક્ત કરી હતી. ન્યાયમૂર્તિઓએ ઉક્ત સમિતિમાં ભારતીય કિસાન યુનિયનના ભૂપિન્દરસિંહ માન, મહારાષ્ટ્રની શેતકરી સંઘટનાના નેતા અનિલ ઘાણાવત, સાઉથ એશિયા ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પ્રમોદકુમાર જોશી અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીને નિયુક્ત કર્યા છે.

આંદોલન યથાવત્ જ રહેશે : ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન

સુપ્રીમ કોર્ટ દ્વારા આગલા આદેશ સુધી ત્રણે કૃષિ કાયદા ઉપર સ્ટે લગાડવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે આ અંગે એક કમિટી ગઠનનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આવા નિર્ણય બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન શરૂ જ રહેશે. તેમણે કહ્યું કે તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને નક્કી કરશે કે તેઓ કમિટી પાસે જશે કે નહીં. ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ પરેડ કરીને રહેશે. સરકાર એવું વિચારે છે કે ખેડૂતોને દૂર કરવામાં ૧૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે, પરંતુ આ ધારણા ખોટી છે. જો અમને બળજબરીપૂર્વક દૂર કરવાનો પ્રયાસ થયો તો ૧૦,૦૦૦ લોકોનાં મોત થઈ શકે છે.

supreme court new delhi national news