નિર્ભયા ગૅન્ગરેપ કેસ : 1 ફેબ્રુઆરીએ ચાર નરાધમોને ફાંસી આપવામાં આવશે

24 January, 2020 11:43 AM IST  |  New Delhi

નિર્ભયા ગૅન્ગરેપ કેસ : 1 ફેબ્રુઆરીએ ચાર નરાધમોને ફાંસી આપવામાં આવશે

નિર્ભયા ગૅન્ગરેપ કેસના આરોપીઓ

તિહાડ જેલમાં કેદ નિર્ભયાના દોષીઓની સુરક્ષા પાછળ દરરોજ સરકાર ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરી રહી છે. આ ખર્ચ એ જ દિવસથી શરૂ થઈ ગયો હતો જ્યારે કોર્ટે તેમને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ આપ્યું હતું. જેલની બહાર તેમના માટે ૩૨ સિક્યૉરિટી ગાર્ડને ખડેપગે ૨૪ કલાક તહેનાત રાખવામાં આવે છે. આ ઉપરાંત ફાંસીની વ્યવસ્થા માટે પણ ખાસ્સો ખર્ચ થઈ રહ્યો છે. સિક્યૉરિટી ગાર્ડની દર બે કલાકે શિફ્ટ બદલાય છે જેથી તે જેલની બહાર ઊભા ઊભા દોષીઓ પર બાજનજર રાખી શકે.

નિર્ભયા ગૅન્ગરેપ કેસના ચારેય દોષિતોને ફાંસીની તૈયારી શરૂ થઈ ગઈ છે. તિહાડ જેલમાં પ્રશાસને ગુનેગારોને નોટિસ જારી કરીને તેની અંતિમ ઇચ્છા વિશે પૂછ્યું છે. જેલ પ્રશાસને ગુનેગારોને અનેક સવાલ પૂછ્યા છે. જેલ મેન્યુઅલ અનુસાર ફાંસીની સજા મેળવનાર કેદીઓને ફાંસી પહેલાં તેની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવે છે અને તેની ઈચ્છા પૂરી કરવામાં આવે છે.

જેલના સૂત્રોના જણાવ્યા મુજબ ચારેય ખૂનીઓને તિહાડ જેલ નંબર-૩માં જુદા જુદા સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીના સેલની બહાર બે સિક્યૉરિટી ગાર્ડ તહેનાત છે. તેમાંથી એક હિંદી તથા ઇંગ્લિશનું જ્ઞાન ધરાવતો તમિલનાડુ સ્પેશ્યલ પોલીસનો જવાન છે અને એક તિહાડ જેલ પ્રશાસનનો ગાર્ડ છે.

દર બે કલાકે આ ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તહેનાત કરવામાં આવે છે. દર કેદી માટે ૨૪ કલાક માટે આઠ-આઠ સિક્યૉરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. એટલે કે ચાર કેદી માટે ૩૨ ગાર્ડ છે. તેઓ ૨૪ કલાકમાં ૪૮ શિફ્ટમાં કામ કરે છે.

આ પણ વાંચો : મેરઠમાં બનશે પ્રાણીઓ માટેનું દેશનું પહેલું વૉર મેમોરિયલ

તેમની ફાંસીની નવી તારીખ ૧ ફેબ્રુઆરી નિશ્ચિત કરવામાં આવી છે. જલ્લાદને ૩૦ જાન્યુઆરીએ બોલાવાયો છે જેથી તે એક દિવસ પહેલાં ફાંસીની ટ્રાયલ કરી શકે. બુધવારે પવન અને વિનયે પરિવાર સાથે મુલાકાત લીધી હતી. બુધવારે પણ તેમની કાયદેસર મુલાકાત કરાવવામાં આવી હતી.

national news Crime News new delhi