15 દિવસમાં તમામ મજૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો: SC

06 June, 2020 11:10 AM IST  |  New Delhi | Agencies

15 દિવસમાં તમામ મજૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો: SC

સુપ્રીમ કોર્ટ

પ્રવાસી મજૂરોના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે દરેક પ્રવાસીઓને ઘરે પહોંચાડવા માટે ૧૫ દિવસનો સમય આપીશું. દરેક રાજ્યોને રેકૉર્ડ પર લાવવાનું છે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રવાસીઓનું રજિસ્ટ્રેશન પણ થવું જોઈએ.

સુનાવણી દરમ્યાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે લગભગ ૧ કરોડ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. રોડ દ્વારા ૪૧ લાખ અને ટ્રેનમાં ૫૭ લાખ પ્રવાસીઓને ઘરે પહોંચાડ્યા છે. કોર્ટમાં આંકડા રજૂ કરતાં તુષાર મહેતાએ કહ્યું કે મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ચલાવવામાં આવી હતી.

સૉલિસિટર જનરલે કહ્યું કે અત્યાર સુધી ૪૨૭૦ શ્રમિક ટ્રેનોનું સંચાલન થયું છે. અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. માત્ર રાજ્ય સરકાર જ હવે કોર્ટને જણાવી શકે છે કે કેટલા પ્રવાસીઓને હજી ઘરે પહોંચાડવાના છે અને કેટલી ટ્રેનોની જરૂરિયાત રહેશે. રાજ્યોએ એક ચાર્ટ તૈયાર કર્યો છે, કારણ કે આવું કરવા માટે તેઓ સારી સ્થિતિમાં હતા.

ચાર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારા ચાર્ટ પ્રમાણે મહારાષ્ટ્રએ માત્ર એક ટ્રેન માટે કહ્યું છે. એના જવાબમાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મહારાષ્ટ્રથી અમે પહેલાં જ ૮૦૨ ટ્રેન ચલાવી છે. હવે માત્ર એક જ ટ્રેન માટે અરજી છે. પછી બેન્ચે પૂછ્યું કે શું એનો અર્થ અમારે એ કાઢવો જોઈએ કે હવે કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર નહીં જાય?

મહેતાએ કહ્યું કે જો કોઈ રાજ્ય કોઈ પણ સંખ્યામાં ટ્રેન માટે માગણી કરે તો કેન્દ્ર સરકાર ૨૪ કલાકમાં એ માટે મદદ કરશે. એના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે દરેક રાજ્યોને તેમની માગણી રેલવેને સોંપવાનું કહીશું.

new delhi supreme court coronavirus lockdown