દેશમાં કોરોના બેફામ: 24 કલાકમાં 274 મોત, રિકવરી રેટ 48.27 ટકા

06 June, 2020 11:10 AM IST  |  New Delhi | Agencies

દેશમાં કોરોના બેફામ: 24 કલાકમાં 274 મોત, રિકવરી રેટ 48.27 ટકા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોનાના કેસ જાણે રોજેરોજ નવા વિક્રમ સ્થાપવા માગતા હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૯૮૫૧ કેસ બહાર આવ્યા છે. એ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭૪ દર્દીઓનાં મોત થયાં છે. છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસ દરરોજ ૮૦૦૦ કરતાં વધારે બહાર આવી રહ્યા છે અને ૯૮૫૧ કેસ તો સૌથી વધારે તરીકે પ્રસ્થાપિત થયા છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં ૬૩૪૮ લોકોનાં મોત થયાં છે જે પૈકી ઊંચો મૃત્યુદર ધરાવતાં ટૉપ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં ૨૭૧૦, ગુજરાતમાં ૧૧૫૫, દિલ્હીમાં ૬૫૦, મધ્ય પ્રદેશમાં ૩૭૭ અને પશ્ચિમ બંગાળમાં ૩૫૫ જણનો સમાવેશ છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે. દેશમાં ત્રણ દિવસથી સતત ટેસ્ટિંગ વધ્યું છે. ગઈ કાલે સૌથી વધુ ૧ લાખ ૩૯ હજાર ૪૮૫ કોરોના-ટેસ્ટ થઈ હતી.

લૉકડાઉન-4 બાદ હવે અનલૉક-1 ઘાતક સાબિત થઈ રહ્યું હોય એમ અનલૉક-1ના પહેલા જ દિવસથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ૮ જૂનથી મંદિરો-જિમ-મૉલ વગેરે ખૂલશે ત્યારે કેસ વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. ભારતે કોરોનાની સાથે જ જીવવું પડશે એમ સરકારે કહ્યું છે ત્યારે કોરોના વાઇરસ વધુ ને વધુ લોકોમાં સંક્રમિત થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં જ રેકૉર્ડ ૯૮૫૧ કેસ નોંધાયા છે અને કુલ કોરોના-પૉઝિટિવ દર્દીઓનો આંક ૨,૨૬,૭૭૦ને પાર કરી ગયો છે. આ ઉપરાંત એક જ દિવસમાં ૨૭૪ લોકોનાં મોત થતાં કુલ મૃતકોની સંખ્યા ૬૩૪૮ રહી હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશમાંથી અત્યાર સુધીમાં ૧,૦૯,૪૬૧ દર્દીઓ કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થયા છે જેને પગલે કુલ ઍક્ટિવ કેસ ૧,૧૦,૯૬૦ છે. આ પ્રમાણે કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ૪૮.૨૭ ટકા રહ્યો છે.

new delhi coronavirus covid19 lockdown national news