News in Short:ગંગા નદીમાં તરતી પેટીમાંથી બાળકી મળી તો છ માઓવાદીઓનાં મોત,જાણો વધુ

17 June, 2021 03:12 PM IST  |  New Delhi | Agency

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નેતા ચિરાગ પાસવાને પક્ષમાં ભંગાણ માટે જનતા દલ (યુનાઇટેડ)ને જવાબદાર ગણાવી હતી અને તેમના કાકા પશુપતિ કુમાર પારસના વડપણ હેઠળના જૂથે લીધેલા નિર્ણયો ફગાવી દીધા હતા

પ્રતીકાત્મક તસવીર

પક્ષમાં ભંગાણ માટે જેડી (યુ) જવાબદાર : ચિરાગ
લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નેતા ચિરાગ પાસવાને પક્ષમાં ભંગાણ માટે જનતા દલ (યુનાઇટેડ)ને જવાબદાર ગણાવી હતી અને તેમના કાકા પશુપતિ કુમાર પારસના વડપણ હેઠળના જૂથે લીધેલા નિર્ણયો ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે પક્ષનું બંધારણ તેમને આવી કોઈ સત્તા આપતું જ નથી. ચિરાગે પોતાને ‘શેર કા બેટા’ તરીકે ઓળખાવતાં કહ્યું હતું કે મારા સદ્ગત પિતા રામવિલાસ પાસવાને જે હેતુસર આ પાર્ટીની રચના કરી હતી એ માટે તેઓ લડતા રહેશે. આવું કહીને ચિરાગે બીજેપીને દોષી ગણવાનું ટાળ્યું હતું.

મિથુને પોલીસને કહ્યું, ‘હું તો માત્ર ફિલ્મોના ડાયલૉગ્સ બોલ્યો હતો’
બીજેપીના ચૂંટણીપ્રચાર દરમ્યાન ભાષણના માધ્યમથી હિંસા ભડકાવવાના આરોપસર કરાયેલી ફરિયાદને અનુલક્ષીને કલકત્તા પોલીસે બીજેપીના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની ગઈ કાલે વર્ચ્યુઅલ પૂછપરછ કરી હતી. મિથુન ચક્રવર્તી ભાષણમાં ‘માર્બો એખાને લેશ પોર્બે શોશાને’ (અહીં મુક્કો એવો જોરદાર પડશે કે તારી ડેડબૉડી સીધી સ્મશાનમાં જઈને પડશે) તથા ‘એક ચોબોલે ચોબી’ (સાપના એક દંશથી તું ફ્રેમમાં ઘડાઈ જઈશ) એવા પોતાની ફિલ્મોના ડાયલૉગ્સ બોલ્યા હતા. પોતાની સામેના આક્ષેપોનું ખંડન કરતાં તેમણે પોતાની ફિલ્મોના ડાયલૉગ્સ માત્ર બોલ્યા હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

છ માઓવાદીઓનાં મોત
આંધ્ર પ્રદેશમાં થીગલામેટ્ટા જંગલમાંથી ગઈ કાલે છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ડાબેરી વિચારધારાવાળા ઉગ્રવાદીઓ અને આંધ્ર પ્રદેશ ગ્રેહાઉન્ડ્સ ટીમ વચ્ચેના ઘર્ષણમાં આ છ જણનાં મોત થયાં હતાં અને તેમના મૃતદેહો પાસેથી શસ્ત્રો અને હથિયારો મળી આવ્યાં હતાં.

ગંગા નદીમાં તરતી પેટીમાંથી બાળકી મળી
મહાભારતમાં જે રીતે માતા કુંતીએ પોતાના પહેલા પુત્ર કર્ણનો ગંગા નદીમાં એક ટોપલામાં મૂકીને ત્યાગ કર્યો હતો એવી જ ઘટના બની છે. યુપીના ગાઝીપુરમાં ગુલ્લુ ચૌધરી નામના નાવિકને ગંગા નદીમાં તરતી લાકડાની પેટીમાંથી નવજાત બાળકી મળી આવી છે. પેટીમાં સંખ્યાબંધ દેવી-દેવતાઓના ફોટો પણ લગાડેલા હતા. બાળકીની જન્મકુંડળી પણ પેટીમાં હતી.

national news coronavirus covid19