રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદનના મામલે સંસદમાં ભારે ઘમસાણ, ધક્કામુક્કી

08 February, 2020 10:31 AM IST  |  New Delhi

રાહુલ ગાંધીના ડંડાવાળા નિવેદનના મામલે સંસદમાં ભારે ઘમસાણ, ધક્કામુક્કી

સંસદ

દિલ્હીમાં યોજાયેલી એક ચૂંટણી રૅલીમાં કૉન્ગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈને કરેલા ખૂબ જ વાંધાજનક નિવેદનના મામલે આજે લોકસભામાં તેની ગરિમા લજવાય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

હંગામો એટલી હદે થયો હતો કે મામલો ધક્કામુક્કી સુધી પહોંચી ગયો હતો. શોરબકોર અને ધક્કામુક્કીનાં દૃશ્યો થતાં સ્પીકરે બેઠક મોકૂફ રાખી હતી. એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને રાહુલ ગાંધીના ‘ડંડા માર’ નિવેદનનો ઉલ્લેખ કર્યો અને ટીકા કરવા લાગ્યા તો સ્પીકરે રોકવાનો પ્રયાસ કર્યો, આ દરમ્યાન કૉન્ગ્રેસના સાંસદ મનિકમ ટાગોર હર્ષવર્ધનની બેઠક સુધી પહોંચી ગયા અને બન્ને વચ્ચે ઉગ્ર દલીલબાજી શરૂ થઈ હતી. તો બીજેપીના સાંસદો વેલમાં આવી ગયા અને કૉન્ગ્રેસના સાંસદ મનિકમ ટાગોરને પકડી લીધા અને ધક્કામુક્કી શરૂ થઈ હતી.

આ પહેલાં સંસદમાં બન્યું એમ હતું કે રાહુલ ગાંધીએ પોતાના મતવિસ્તારમાં મેડિકલ કૉલેજ અંગે સવાલ કર્યો ત્યારે તેનો જવાબ આપતાં પહેલાં સ્વાસ્થ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે જવાબ આપતા પહેલાં હું પીએમ પર તેમણે આપેલા આપત્તિજનક નિવેદનની નિંદા કરું છું. આવું સાંભળતા જ કૉન્ગ્રેસી સાંસદોએ પિત્તો ગુમાવ્યો હતો. બીજેપીએ વિપક્ષી સાંસદોના આ વ્યવહારને ગુંડાગીરી ગણાવી હતી અને આરોપ મૂકયો હતો કે રાહુલ ગાંધીના ઇશારે હર્ષવર્ધન સાથે ઝપાઝપીનો પ્રયાસ થયો હતો.

કૉન્ગ્રેસના સંસદસભ્યએ હુમલો નથી કર્યો, હર્ષવર્ધન નાટક કરે છે : રાહુલ ગાંધી

પીએમ મોદીને ડંડા મારવા વિશેના રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરવાનો સંસદમાં પ્રસ્તાવ મૂકી રહેલા સરકારના સ્વાસ્થ્યપ્રધાન મનિકમ ટાગોરના હર્ષવર્ધન તરફ દોડવાના કૃત્યનો રાહુલ ગાંધીએ બચાવ કર્યો છે. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે આ ઘટના બાદ કહ્યું હતું કે હર્ષવર્ધનનો ડ્રામા છે. સરકાર રોજગાર મુદ્દા પર કોઈ જવાબ આપી રહી નથી અને હું આ મુદ્દે સતત પ્રશ્નો પૂછી રહ્યો હોવાથી મને રોકવા માટે આખું નાટક કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હર્ષવર્ધનને સૂચના હતી કે બીજા કોઈ મુદ્દા લોકસભામાં ઊઠે નહીં. અમારા સાંસદે કોઈ હુમલો કર્યો નથી. ઉલટાનું તેમના પર હુમલો થયો છે. તમે વિડિયો ફુટેજમાં જોઈ શકો છે. મનિકમ ટાગોર સંસદના વેલમાં ગયા હતા પણ તેમણે કોઈના પર હુમલો કર્યો નથી.

new delhi rahul gandhi narendra modi national news