રાજ્યસભામાં ગુલામ નબી આઝાદની વિદાય વખતે તેમને યાદ કરીને મોદી રડ્યા

10 February, 2021 11:10 AM IST  |  New Delhi | Agency

રાજ્યસભામાં ગુલામ નબી આઝાદની વિદાય વખતે તેમને યાદ કરીને મોદી રડ્યા

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે રાજ્યસભામાં ૪ રાજ્યસભાના સંસદસભ્યોના વિદાય ભાષણ આપી રહ્યાં હતાં. કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદનાં ભારોભાર વખાણ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતની પ્રવાસીઓથી ભરેલી એક બસ પર થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતાં રીતસરના રડી પડ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, પરંતુ એક વાર ગુજરાતના પ્રવાસીઓની એક બસ પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૮ લોકોનાં મોત થયાં હતાં. ત્યારે ગુલામ નબી આઝાદનો મારા પર ફોન આવ્યો હતો. એમ કહેતાં જ પીએમ મોદીનું ગળું ભરાઈ ગયું હતું. તેમણે રૂંધાયેલા સ્વરે વાત આગળ ધપાવતાં કહ્યું હતું કે આઝાદનો આ ફોન માત્ર ઘટનાની સૂચના આપવા માટે નહોતો. એ રાત્રે તેમણે મને ફોન કર્યો અને તેમણે પરિવારની ચિંતા કરે એ પ્રકારની ચિંતા કરી હતી. પદ અને સત્તા તો જીવનમાં આવતાં-જતાં રહે છે, પણ એને કેવી રીતે પચાવવાં એ આઝાદ પાસેથી શીખવું જોઈએ, એમ રૂંધાયેલા સ્વરે પીએમ મોદીએ ઇશારો કરીને કહી સંભળાવ્યું હતું.

હિન્દુસ્તાની મુસલમાન હોવાનો મને ગર્વ છે : આઝાદ

રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદી બાદ કૉન્ગ્રેસ સંસદસભ્ય ગુલાબ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા. વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે કહ્યું કે મને હિન્દુસ્તાની મુસલમાન હોવા પર ગર્વ છે. તેમણે કહ્યું કે હું એ સૌભાગ્યશાળી લોકોમાંથી છું જે ક્યારેય પાકિસ્તાન નથી ગયા. તેમણે ગૃહમાં જણાવ્યું કે જ્યારે હું પાકિસ્તાનની પરિસ્થિતિઓ વિશે વાંચું છું તો મને એક હિન્દુસ્તાની મુસ્લિમ હોવા પર ગર્વ અનુભવાય છે. ત્યાર બાદ આઝાદ બોલતાં-બોલતાં ભાવુક થઈ ગયા. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના વિદાય ભાષણમાં પ્રશંસા કરતાં ભાવુક થઈ ગયા હતા.

narendra modi national news ghulam nabi azad Rajya Sabha