ટીમએસીના રણનીતિકાર પ્રશાંત કિશોરે સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા

03 May, 2021 02:58 PM IST  |  New Delhi | Agency

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલ કૉન્ગ્રેસના રણનીતિકાર રહી ચૂકેલા પ્રશાંત કિશોરે અચાનક આ કામમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

પ્રશાંત કિશોર

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમૂલ કૉન્ગ્રેસના રણનીતિકાર રહી ચૂકેલા પ્રશાંત કિશોરે અચાનક આ કામમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે હવેથી તેઓ આ કામ નહીં કરે. એટલે કે ચૂંટણી સ્ટ્રૅટેજીનું કામ પ્રશાંત કિશોર લાંબા સમયથી કરતા આવી રહ્યા હતા એમાંથી તેઓ હવે સંન્યાસ લઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં તેમણે પડકાર ફેંક્યો હતો કે જો પશ્ચિમ બંગાળમાં બીજેપી ૧૦૦નો જાદુઈ આંકડો વટાવી જશે તો તેઓ ચૂંટણી રણનીતિના કામમાંથી સંન્યાસ લઈ લેશે. આજે પરિણામો સામે આવી રહ્યાં છે જેમાં બીજેપી ૧૦૦ સીટો કરતાં નીચે રહી છે છતાં પ્રશાંત કિશોરે સંન્યાસની જાહેરાત કરતાં સૌકોઈને ચોંકાવી દીધા છે. તેમણે એક જાણતી‌ હિન્દી ટીવી-ચૅનલ સાથેની લાઇવ ડિબેટમાં આ જાહેરાત કરી હતી.
પીકેએ જાહેરાત કરી હતી કે હું ક્યારેય આ કામ કરવા નહોતો માગતો, પણ હું એમાં આવી ગયો અને મેં મારા ભાગનું કામ કરી લીધું છે. મારાથી પણ વધારે લોકો સક્ષમ છે જેઓ સારું કામ કરશે. માટે મને લાગ્યું કે હવે મારે બ્રેક લઈ લેવો જોઈએ.

સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણીની રણનીતિ બનાવવાનું કામ મૂકીને હવે પીકે શું કરશે? એનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘આ મામલે વિચારવા માટે થોડો સમય આપો. હું કંઈક તો કરીશ જ.’

national news kolkata west bengal mamata banerjee