ટેક્નૉલૉજીના ગુલામ નહીં મિત્ર બનોઃ વિદ્યાર્થીઓને મોદી મંત્ર

21 January, 2020 10:53 AM IST  |  New Delhi

ટેક્નૉલૉજીના ગુલામ નહીં મિત્ર બનોઃ વિદ્યાર્થીઓને મોદી મંત્ર

નરેન્દ્ર મોદી

દેશની માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ટૂંક સમયમાં પરીક્ષાઓની મોસમ શરૂ થવાની છે ત્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં એક મિત્ર તરીકે સોનેરી સલાહ આપીને તેમને તણાવમુક્ત બનીને પરીક્ષા આપવા તથા ચંદ્રયાન મિશનની નિષ્ફળતાનો દાખલો આપીને એક વડીલ અને શિક્ષક તરીકે પ્રેરણા આપી હતી કે જીવનમાં નિષ્ફળતા એ સફળતાની પ્રથમ સીડી છે તેથી તેનાથી નાસીપાસ ન થતાં પ્રયત્નો ચાલુ રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાને પોતાના બાળકોને પરીક્ષામાં સારા ગુણ લાવવા દબાણ કરતાં વાલીઓને અને વિદ્યાર્થીઓને પણ સલાહ આપી હતી કે પરીક્ષામાં સારા ગુણ જ સર્વેસર્વા નથી. કોઈ એક પરીક્ષા આખી જિંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આ જ બધું છે એવું ન માનવું જોઈએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરું છું કે બાળકોને એવી વાતો ન કરો કે પરીક્ષા જ બધું છે.

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે અંદાજે ૨ હજાર વિદ્યાર્થીઓને દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદ કરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને પરીક્ષા પે ચર્ચા એવું નામ આપવામાં આવ્યું હતું.

ચંદ્રયાન મિશનની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેમના કેટલાક સાથીઓએ ચંદ્રયાન મિશનના સ્થળે ન જવાની સલાહ આપી હતી, કેમ કે આ અભિયાનમાં સફળતાની કોઈ બાંયધરી નથી, મિશન નિષ્ફળ પણ જઈ શકે છે. આ હોવા છતાં, મોદીએ કહ્યું કે તેઓ ઇસરોના મુખ્ય મથક ગયા અને જ્યારે મિશન નિષ્ફળ ગયું ત્યારે વૈજ્ઞાનિકોની વચ્ચે રહીને તેમને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું અને નિરાશ ન થવાની પ્રેરણા આપી હતી.

‘મેક ઈન ઈન્ડિયા’નો ઉલ્લેખ કરીને તેમણે અપીલ કરી કે શું દેશના ભલા માટે આપણે નક્કી ન કરી શકીએ કે ૨૦૨૨માં જ્યારે આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થશે તો હું અને મારો પરિવાર જે પણ ખરીદીશું તે મેક ઇન ઇન્ડિયા જ ખરીદીશું? મને કહો કે આ ફરજ હશે કે નહીં, આનાથી દેશનું ભલું થશે કે નહીં અને દેશની ઈકૉનૉમીને તાકાત મળશે.

કુંબલેનું પણ ઉદાહરણ આપ્યું

મોદીએ કહ્યું કે ‘૨૦૦૨ની મૅચમાં કુંબલેને જડબાંમાં બૉલ વાગ્યો હતો. બધા વિચારી રહ્યા હતા કે તે બૉલિંગ કરી શકશે કે નહીં. જો તે મેદાન પર પાછા ન આવત તો કોઈ તેની સામે પ્રશ્ન કરત નહીં, પરંતુ તેણે નક્કી કર્યું કે તે રમશે અને પટ્ટી લગાવીને બૉલિંગ કરવા આવ્યા હતા. તે સમયે બ્રાયન લારાની વિકેટ લેવી મોટી વાત હતી. કુંબલેએ તેને આઉટ કર્યો હતો. એક વ્યક્તિ હિમ્મતથી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે તે જોવા મળ્યું હતું.

narendra modi new delhi national news