દેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ

05 March, 2021 10:47 AM IST  |  New Delhi | Agency

દેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે એક અરજીની સુનાવણી કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તથા ભારત બાયોટેકને કોવિશીલ્ડ અને કોવૅક્સિન રસી અંગે પોતાની નિર્માણ ક્ષમતાનો ખુલાસો કરવાનો હુકમ આપ્યો છે. એ સાથે જ કોર્ટે કોવિડની રસી બહાર મોકલવા અંગે કડક ટિપ્પણી કરી છે.

કોર્ટે કહ્યું, કોવિડ-19 રસી દાનમાં આપવામાં આવી રહી છે, અન્ય દેશોને વેચવામાં આવી રહી છે, પોતાના લોકોનું રસીકરણ કરવામાં આવતું નથી, અતિજરૂરીની ભાવના અપેક્ષિત છે.

હાઈ કોર્ટે કેન્દ્રને હાલમાં કોવિડ-19 રસીકરણ માટે વ્યક્તિઓના વર્ગ પર સખત નિયંત્રણ રાખવાના તર્ક વિશે પૂછ્યું છે. એટલું જ નહીં, દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી સરકારને પણ કહ્યું કે કોર્ટ-પરિસરોમાં ચિકિત્સા કેન્દ્રોનું નિરીક્ષણ કરે અને બતાવે કે શું ત્યાં કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવાની સંભાવના છે. ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લવીની બેન્ચે કહ્યું કે બન્ને સંસ્થાઓ સીરમ તથા ભારત બાયોટેકની પાસે મોટી સંખ્યામાં રસી પૂરી પાડવાની ક્ષમતા છે, પરંતુ એવું લાગે છે કે એ એનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી રહી નથી.

બેન્ચે કહ્યું, આપણે એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી રહ્યા નથી. આપણે ક્યાં તો એને દાન કરી રહ્યા છીએ અથવા તો એને વેચી રહ્યા છીએ અને પોતાના લોકોને રસી આપી રહ્યા નથી. આ મામલામાં જવાબદાર લોકોમાં જવાબદારી અને તાત્કાલિકતાની ભાવના હોવી જોઈએ.

હાઈ કોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયાધીશો, અદાલતનો સ્ટાફ અને વકીલો સહિત ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને વર્ગીકૃત કરવાની માગણી કરવામાં આવી રહી છે.

new delhi national news delhi high court coronavirus covid19