નવા ટ્રાફિક કાયદામાં ફેરફાર કરશો તો રાષ્ટ્રપતિશાસન લાદીશું

08 January, 2020 12:32 PM IST  |  New Delhi

નવા ટ્રાફિક કાયદામાં ફેરફાર કરશો તો રાષ્ટ્રપતિશાસન લાદીશું

ટ્રાફિક

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્ય મોટર વાહન (સંશોધન) અધિનિયમ, ૨૦૧૯ના નિયમોનું પાલન ન કરનારા રાજ્યોમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાની ચેતવણી આપી છે. કેન્દ્રનું કહેવું છે કે વાહન-વ્યવહારના સંશોધિત નિયમો વિરુદ્ધ જઈને દંડ વસૂલનારા રાજ્યોની પાસે આવું કરવાનો અધિકાર નથી. જો કોઈ રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ જઈને દંડની રકમ ઘટાડશે, તો તેને સંવેધાનિક પ્રાવધાનોનું ઉલ્લંઘન માનીને કેન્દ્ર ત્યાં રાષ્ટ્રપતિશાસન પણ લાદી શકે છે.

કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે કહ્યું કે કોઈ પણ રાજ્ય મોટર વાહન (સંશોધન) અધિનિયમ, ૨૦૧૯ના વૈધાનિક પ્રાવધાનો અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડને તેની નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી ન કરી શકે. મંત્રાલયે કહ્યું કે કોઈ પણ કાયદો કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા ત્યાં સુધી લાગુ ન કરી શકાય જ્યાં સુધી તેને ભારતના રાષ્ટ્રપતિની સહમતી પ્રાપ્ત ના હોય.

મંત્રાલયે રાજ્યોને મોકલેલા પોતાના પરામર્શમાં કહ્યું છે કે મોટરવાહન (સંશોધન) અધિનિયમ ૨૦૧૯ સંસદમાં પાસ થયેલો કાયદો છે. રાજ્ય નક્કી કરવામાં આવેલી મર્યાદાને ઘટાડવાને લઈને કોઈ કાયદો પાસ ન કરી શકે અને કાર્યવાહીનો આદેશ પણ ન આપી શકે.

ઘણાં રાજ્યો દ્વારા કેટલાક મામલાઓમાં દંડની રકમ ઓછી કર્યા બાદ પરિવહન મંત્રાલયે આ મુદ્દા પર કાયદા મંત્રાલય પાસે સલાહ માગી હતી. કારણ કે, સપ્ટેમ્બર ૨૦૧૯થી નવા મોટરવાહન અૅક્ટમાં વાહનવ્યવહારના નિયમોના ઉલ્લંઘન પર પ્રાવધાનોને કડક કરવામાં આવ્યા છે.

સરકારે એ વાતની પણ જાણકારી આપી હતી કે ગુજરાત, કર્ણાટક, મણિપુર અને ઉત્તરાખંડે કેન્દ્ર દ્વારા સંશોધિત કરવામાં આવેલા કાયદા વિરુદ્ધ જઈને કેટલાક અપરાધોના મામલામાં દંડની રકમને ઓછી કરી હતી.

new delhi national news