લક્ઝમ્બર્ગની કંપની ગુજરાતમાં વૅક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થાપશે

29 November, 2020 10:43 AM IST  |  New Delhi | Mumbai Correspondent

લક્ઝમ્બર્ગની કંપની ગુજરાતમાં વૅક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થાપશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની રસીની શોધ હવે હાથવેંતમાં છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરનાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી દવાની પહોંચ સુનિશ્ચિત થાય એ માટે ગુજરાતમાં સ્પેશ્યલાઇઝ્ડ રેફ્રિજરેટેડ વૅક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થાપવાની લક્ઝમ્બર્ગના વડા પ્રધાન ઝેવિયર બીટલની ઑફર સ્વીકારી લીધી છે.

દિલ્હી અને અમદાવાદના અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર લક્ઝમ્બર્ગની ફર્મ બી મેડિકલ સિસ્ટમ્સ આગામી સપ્તાહે સોલાર વૅક્સિન રેફ્રિજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિતની વૅક્સિન કોલ્ડ ચેઇન તૈયાર કરવા માટે તેની ઉચ્ચ સ્તરીય ટીમને આગામી સપ્તાહે ગુજરાત મોકલી રહી છે. પૂર્ણતઃ કાર્યરત પ્લાન્ટ ઊભો કરવામાં લગભગ બે વર્ષ લાગી જાય તેમ હોવાથી કંપનીએ લક્ઝમ્બર્ગથી માત્ર રેફ્રિજરેટેડ બોક્સ મેળવીને ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમ હેઠળ સ્થાનિક બજારમાંથી શ્રેષ્ઠ સામગ્રી મેળવવાનું નક્કી કર્યું છે.

વિદેશી બાબતોના મંત્રી એસ. જયશંકર લક્ઝમ્બર્ગની દરખાસ્ત પર વ્યક્તિગત સ્તરે નજર રાખી રહ્યા છે, ત્યારે યુરોપિયન યુનિયનના ભારતીય ઍમ્બૅસૅડર સંતોષ ઝાએ ગુજરાત સાથેની વ્યવસ્થા નક્કી કરવા માટે ૨૦ નવેમ્બરના રોજ કંપનીના સીઈઓ અને ડેપ્યુટી સીઈઓ સાથે વર્ચ્યુઅલ મંત્રણા કરી હતી.

દેશમાં ૧૮મા દિવસે કોરોનાના ઍક્ટિવ કેસ પાંચ લાખથી ઓછા

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે કોરોના ગાઇડલાઇનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ઠંડીની ઋતુમાં અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવામાં અનેક રાજ્ય સરકારો ફરીથી એકવાર કરફ્યુ અને રાત્રિ લૉકડાઉનનો સહારો લઈ રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૩૨૨ નવા દરદીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૯૩,૫૧,૧૧૦ પર પહોંચી ગઈ છે. જોકે ગઈ કાલે દેશમાં સતત ૧૮મા દિવસે કોરોનાના ઍક્ટિવ કેસ પાંચ લાખથી ઓછા નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના ૪,૫૪,૯૪૦ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૮૭,૫૯,૯૬૯ દરદીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૪૮૫ લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૩૬,૨૦૦ ઉપર પહોંચી ગયો છે.

new delhi national news coronavirus covid19 gujarat