સીમાવિવાદ સંબંધે મોદી અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા થતાં ચીને કહ્યું...

04 June, 2020 08:36 AM IST  |  New Delhi | Agencies

સીમાવિવાદ સંબંધે મોદી અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા થતાં ચીને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખમાં ભારત અને ચીનની સરહદ પર બન્ને દેશોની સેનાઓ છેલ્લા ઘણા દિવસોથી તહેનાત છે. ભારત અને ચીન વચ્ચેની આ તણાવપૂર્ણ સ્થિતિ પર દુનિયાની નજર છે. એક તરફ જ્યાં અમેરિકા ચીનથી તાકાતની જગ્યાએ કૂટનીતિનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ચીન અડધી રાતે અંધારામાં યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની તિબ્બત મિલિટરી કમાન્ડે સોમવારે મોડી રાતે ૪૭૦૦ મીટરની ઊંચાઈ પર સેના મોકલી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. બીજી તરફ, લદ્દાખમાં ચીન સાથેના સીમાવિવાદને મામલે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરતાં બીજિંગ ભડક્યું હતું અને કહ્યું હતું કે, સીમાવિવાદને મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીની કશી જરૂર નથી.

માહિતી મુજબ ચીનના એક અખબાર ગ્લોબલ ટાઇમ્સે આ યુદ્ધાભ્યાસની માહિતી આપી. રિપોર્ટમાં કહ્યું કે ભારત અને ચીનની સરહદ ઊંચાઈ પર છે અને બન્ને દેશોની સેનાઓ વચ્ચે અમુક ‘ઘટનાઓ’ ઘટી છે જેના પછી બન્ને તરફથી સેનાની તૈનાતી કરવામાં આવી છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે ચીન તણાવના આ માહોલમાં એક પગલું આગળ ચાલી તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા આ વાત વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે કે ભારત નજીક સીમા પર ચીનનું આક્રમક વલણ ‘ખતરનાક’ છે.

ચીન સેન્ટ્રલ ટીવી મુજબ સોમવાર રાતે લગભગ ૧ વાગે પીએલએની સ્કાઉટ યુનિટે તાંગુલા પર્વત તરફ વધવાનું શરૂ કર્યું હતું. માર્ચ દરમિયાન ગાડીઓની લાઇટો બંધ હતી અને નાઇટ વિઝન ડિવાઇસની મદદ લેવામાં આવી, જેથી ડ્રોનથી બચી શકાય. માર્ગની મુશ્કેલીઓને પાર કરી ડ્રોનની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા. ટાર્ગેટ નજીક પહોંચી કોમ્બેટ ટેસ્ટ પણ કરવામાં આવ્યું જે માટે સ્નાઇપર યુનિટને આગળ મોકલવામાં આવી હતી. સાથે જ ફાયર સ્ટ્રાઇક ટીમે ઓછા વજનવાળા હથિયારોવાળી ગાડીઓને ઍન્ટિ-ટેન્ક રોકૅટથી ઉડાવી હતી.

ત્યાર બાદ કમાન્ડરોએ ગાડી પર લાગેલા ઇન્ફ્રારેડ સૈન્ય પરીક્ષણ સિસ્ટમની મદદથી સેનાની ટુકડીને આગળ લડાઈના ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. આ યુદ્ધાભ્યાસ દરમિયાન લગભગ ૨૦૦૦ મોર્ટાર શેલ, રાઇફલ ગ્રેનેડ અને રોકેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ નવાં હથિયારો સાથે લડવા સેના કેટલી તૈયાર છે તે અંગે જાણ થઈ. સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી રીતે લડવું તે વિશે પણ અભ્યાસ કર્યો.

national news new delhi narendra modi china india