દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાના OSD લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

08 February, 2020 10:32 AM IST  |  New Delhi

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાના OSD લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

મનીષ સિસોદિયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બે દિવસ પહેલાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને બે લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ગુરુવારે રાતે દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) છે. બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન હેડક્વૉર્ટરમાં તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે હજી લાંચ લેવાના કેસમાં સિસોદિયાની કોઈ ભૂમિકા પ્રકાશમાં આવી નથી. આ વિશે મનીષ સિસોદિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે સીબીઆઇ તેને ઝડપથી કડક સજા કરે.

અધિકારીઓએ જણાવ્યા મુજબ આરોપી અધિકારીનું નામ ગોપાલકૃષ્ણ માધવ છે. તેમને ૨૦૧૫માં સિસોદિયાના ઓએસડી બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય તપાસ-એજન્સીની ટીમે તેમને મોડી રાતે એક ટ્રૅપ ગોઠવીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારે તેઓ જીએસટી સાથે જોડાયેલા એક મામલાની પતાવટના બદલામાં બે લાખ રૂપિયા લઈ રહ્યા હતા.

અત્યારે દિલ્હીમાં ચૂંટણી માથે છે અને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી કેજરીવાલના નામે ચૂંટણી લડી રહી છે. ત્યારપછી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ મુખ્ય ભૂમિકામાં રહ્યા છે.

હવે ખબર પડી કે આપ કેમ લોકપાલની નિમણૂક નથી કરતી : બીજેપી

બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું કે ઓએસડી મનીષ સિસોદિયા માટે લાંચ લેતાં પકડાઈ ગયા. તેમણે ૧૦ લાખ રૂપિયાની લાંચનો પ્રથમ હપ્તામાં બે લાખ રૂપિયા લીધા હતા. આમ આદમી બનવાનું નાટક કરનાર આ બધા ચોર છે. હવે ખ્યાલ આવ્યો કે તેમણે કેમ લોકપાલની નિમણૂક નથી કરી.

આ પણ વાંચો : નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે તમામ દોષીને નોટિસ ફટકારી

મેં પાંચ વર્ષમાં ઘણા ભ્રષ્ટાચારીઓને પકડાવ્યા છે : સિસોદિયા

શુક્રવારે ટ્વિટર પર મનીષ સિસોદિયાએ લખ્યું કે મને જાણવા મળ્યું છે કે સીબીઆઇએ એક જીએસટી ઇન્સ્પેક્ટરને લાંચ લેતાં પકડી પાડ્યા છે. આ અધિકારી મારી ઑફિસમાં ઓએસડી તરીકે હતા. સીબીઆઇએ તેમને તાત્કાલિક સખત સજા અપાવવી જોઈએ. આવા ઘણા ભ્રષ્ટ અધિકારીઓને મેં પોતે પાંચ વર્ષમાં પકડાવ્યા છે.

manish sisodia national news new delhi