પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા વધારાની શક્યતા

27 October, 2020 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટા વધારાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કેટલાક મીડિયા રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટીનો વધારો કરી દેશવાસીઓનાં ખિસ્સાંનો ભાર વધારી શકે છે. સરકાર પ્રતિ લિટર ૩-૬ રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટી વધારવા વિચારણા કરી રહી છે. આ પહેલાં મે મહિનામાં સરકારે પેટ્રોલ પર ૧૦ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૧૩ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે મે, ૨૦૧૪માં પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે પ્રતિ લિટર કુલ ૯.૪૮ રૂપિયા અને ૩.૫૬ રૂપિયા ટૅક્સ હતો, જે વધીને અનુક્રમે ૩૨.૯૮ રૂપિયા અને ૩૧.૮૩ રૂપિયા થઈ ગયો છે. વળી કેટલાક સમાચારો મુજબ સરકાર કોરોનાને લીધે પંગુ થયેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવા ત્રીજું રાહત પૅકેજ જાહેર કરવાની તૈયારીમાં છે અને એ માટે જોઈતું ભંડોળ સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી એકઠું કરવા માગે છે.

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધવાથી એના ભાવ પણ વધી જશે તેમ છતાં સરકાર ઇચ્છે છે કે એક્સાઇઝ ડ્યુટી વધવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધે અને એ દિશામાં એ નવી યોજના પર કામ કરી રહી છે. કાચા તેલના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના હતી, જે હવે જોવા નહીં મળે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની પ્રતિ બૅરલ કિંમત ૪૫ ડૉલરથી ઘટીને ૪૦ ડૉલર થઈ ગઈ હતી, જેનો સરકાર લાભ લેવા માગતી હતી. એક્સાઇઝ ડ્યુટીમાં એક રૂપિયાનો વધારો કરવાથી સરકારી તિજોરીમાં વર્ષે ૧૩થી ૧૪ હજાર રૂપિયાનો વધારો થાય છે.

new delhi national news