137 દેશોમાં કોરોનાની એન્ટ્રીઃ 8900થી વધુ લોકોનાં મોત

20 March, 2020 12:40 PM IST  |  New Delhi | Agencies

137 દેશોમાં કોરોનાની એન્ટ્રીઃ 8900થી વધુ લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ હવે દુનિયાના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો છે. ગુરુવાર સવાર સુધી કુલ ૧૭૩ દેશ એની ચપેટમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી ૮૯૫૨ લોકોનાં મોત અને ૨,૧૯,૯૫૨ કેસ સામે આવી ચૂક્યા છે. રાહતના સમાચાર એ છે કે ૮૪,૭૯૫ દરદી સાજા પણ થઈ ગયા છે. ચીને ગુરુવારે સવારે કહ્યું છે કે પોતાને ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે વિદેશમાંથી આવેલા ૩૪ લોકો સંક્રમિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિતિ ગંભીર બની રહી છે. સંક્રમિતોનો આંક ૩૦૭ થયો છે. બુધવારે વધુ એક દરદીનું મૃત્યુ થયું હતું. ઈરાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૭ લોકોનાં મોત થયાં છે. અમેરિકાના બે સંસદસભ્યો પણ કોરોના વાઇરસની ઝપટમાં આવી રહ્યા છે.

અમેરિકાના વૉશિંગ્ટનમાં આવેલું કિંગ કાઉન્ટી ફુટબૉલ મેદાન હૉસ્પિટલમાં ફેરવાયું છે જેમાં ૨૦૦ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં ફક્ત શંકાસ્પદ દરદીઓને જ રાખવામાં આવશે. જે દરદીનો રિપોર્ટ પૉઝિટિવ આવશે તેની સારવાર હૉસ્પિટલમાં કરવામાં આવશે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એને પગલે હૉસ્પિટલમાં બેડની ઓછપના ન પડે એ માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં રાખીને બ્રિટનમાં તમામ સ્કૂલોને બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને આ જાહેરાત કરતાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સામે લડવાની જરૂર છે. દરેક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં કોરોનાથી ૧૦૪ લોકોનાં મોત થયાં છે અને ૨૬૨૬ કેસ પૉઝિટિવ છે.

new delhi coronavirus national news world news