179 દેશોમાં કોરોના વાઇરસનો પગપેસારો : મૃત્યુઆંક 10,000ને પાર

21 March, 2020 12:54 PM IST  |  New Delhi | Agencies

179 દેશોમાં કોરોના વાઇરસનો પગપેસારો : મૃત્યુઆંક 10,000ને પાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસથી શુક્રવાર સવાર સુધી ૧૭૯ દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં ૧૦,૦૩૫ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨,૪૪,૯૭૯ લોકોને ઇન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. આ દરમિયાન ૮૭,૪૦૮ દરદીઓ સાજા પણ થયા છે. કોરોના વાઇરસનું ઇન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું. જોકે ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ યુરોપિયન દેશ ઇટલીમાં સ્થિતિ વધારે ભયંકર છે. શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો ૩૨૪૫ હતો, જ્યારે ઇટલીમાં આ દરમિયાન ઇન્ફેક્શનના કારણે કુલ ૩૪૦૫ લોકોનાં મોત થયાં છે. બીજી બાજુ, ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે દેશમાં દર ૧૦ મિનિટે એક ઇન્ફેક્ટેડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર ૫૦ મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં ૪૫૩ લોકોને ઇન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે.

ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો આ કોરોના વાઇરસનો કેર હવે દુનિયાભરમાં ફેલાવો કરી રહ્યો છે. આ વાઇરસની અસર હાલ ચીન કરતાં પણ સૌથી વધુ ઇટલીમાં થઈ છે. ચીનથી વધુ લોકોનાં મોત પણ હાલ ઇટલીમાં થઇ રહ્યાં છે. સૌથી વધુ મોત ઇટલીમાં ૩૪૦૫ લોકોનાં થયાં છે. વળી, ચીનમાં ૩૨૪૮ લોકોનાં મોત થયાં છે.

અન્ય દેશોની વાત કરીએ તો આ વાઇરસના કારણે ઈરાનમાં ૧૨૮૪, અમેરિકામાં ૧૫૪, સ્પેનમાં ૮૩૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં હાલના સમયે ૨,૪૫,૦૭૩ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.

new delhi coronavirus united states of america italy iran japan