ગલવાન ઘાટી : ચીની સૈનિકો અંતે દોઢ કિલોમીટર પાછળ હટ્યા

07 July, 2020 12:29 PM IST  |  New Delhi | Agencies

ગલવાન ઘાટી : ચીની સૈનિકો અંતે દોઢ કિલોમીટર પાછળ હટ્યા

ફાઈલ તસવીર

ભારત-ચીન વચ્ચે ૧૫ જૂનની હિંસક ઝપાઝપી પછી બન્ને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની બેઠકોના છેલ્લા ૪૮ કલાકથી ચાલતા સતત પ્રયત્નો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાતે રંગ લાવ્યો હોય એમ ચીનના સૈનિકો લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તેમની તરફ ૧.૫ કિલોમીટર પાછળ ખસી ગયા છે. એક રીતે જોતાં ચીનની પીછેહઠ થઈ છે અને આ તણાવમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે, જે ભારતની જીત સમાન માનવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનક લેહ-લદ્દાખ મુલાકાત પછી બન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. મોદીએ લદ્દાખ સરહદેથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે તેણે વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઈએ.

સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે એનએસએ અજિત ડોભાલ અને ચીની વિદેશમંત્રી વાંગ યીની વચ્ચે થયેલી વાતચીત સૌહાર્દપૂર્ણ અને દૂરદર્શિતા પર આધારિત હતી. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બન્ને વચ્ચે પૂર્ણ શાંતિ સ્થાપવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે સાથે મળી કામ કરવાની વાત થઈ છે.

પૂર્વ લદાખની ગલવાન ખીણમાં જ્યાં બન્ને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યાંથી હવે ચીની સેના પાછી હટી ગઈ છે. સૂત્રોની જાણકારી મુજબ બન્ને દેશોની સેના આ હિંસક અથડામણવાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ ગઈ છે, જે સંભવત્ ગલવાન ખીણ સુધી સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે, જેથી આગળ કોઈ હિંસક અથડામણ ન થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઈ છે. બન્ને પક્ષે અસ્થાઈ તંબુ અને કન્સ્ટ્રક્શન પણ હટાવવામાં આવ્યાં છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ બન્ને દેશોની સેનાઓએ રિલોકેશન પર સંમતિ દાખવી છે અને બન્ને સેનાઓએ વિવાદિત સ્થાનથી પીછેહઠ કરી છે.

જોકે બીજી તરફ પૅન્ગગોન્ગ તળાવ પાસે બન્ને દેશોની સેનાએ પીછેહટ કરી નથી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માગતી, કારણ કે ભારતીય સેના ફિંગર ૪માં છે. આ વિસ્તાર હંમેશાંથી ભારતના કન્ટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિંગર ૮ પર એલએસી હોવાનો દાવો કર્યો છે. એવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઈ ઉકેલ નથી આવ્યો.

india china national news terror attack