પૅન્ગૉન્ગ સરહદેથી પાછળ હટશે ચીન અને ભારતની સેના

12 February, 2021 12:15 PM IST  |  New Delhi | Agency

પૅન્ગૉન્ગ સરહદેથી પાછળ હટશે ચીન અને ભારતની સેના

રાજ્યસભાને સંબોધતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ. તસવીર : પી.ટી.આઇ.

પૂર્વ લદ્દાખમાં પૅન્ગૉન્ગ તળાવ તરફની સરહદે ચીની દળોની ઘૂસણખોરી અને દાદાગીરીથી ઊભી થયેલી સમસ્યાના ઉકેલરૂપે ભારત અને ચીન વચ્ચે સૈન્યનાં દળો પાછાં ખેંચવા માટે કરાર કરવામાં આવ્યા છે. એ કરાર હેઠળ ચીને સીમાવર્તી પ્રદેશમાં ફિન્ગર-૮ ક્ષેત્રમાં તહેનાત કરેલા તેના સૈનિકોને પાછા ખસેડીને ફિન્ગર-૪ના ક્ષેત્રમાં લઈ જવાના રહેશે. એની સામે ભારતે પણ દળો પાછાં ખસેડીને ફિન્ગર-૩ પાસે ધનસિંહ થાપા પોસ્ટ સુધી લાવવાનાં રહેશે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ચીન સાથેના સંબંધોમાં તંગદિલી દૂર કરવાના પ્રયાસો વિશે સંસદમાં બયાન આપતાં ચીન સાથે સમજૂતીની વિગતો આપી હતી. રાજનાથ સિંહના બયાનનું અર્થઘટન કરતાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સમજૂતી અનુસાર ભવિષ્યમાં બન્ને દેશોના સૈનિકો ગોઠવવા બાબતે આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી ફિન્ગર-૩ અને ફિન્ગર-૮ વચ્ચેનો ભાગ નો પૅટ્રોલિંગ ઝોન બનશે. ચીની લશ્કરે ફિન્ગર-૪ અને ફિન્ગર-૮ વચ્ચે અનેક બન્કર્સ તથા અન્ય માળખાં ઊભાં કર્યાં હતાં. એ ઉપરાંત ભારતના પૅટ્રોલિંગ કરતા સૈનિકોને ફિન્ગર-૪ પર જતા રોકતા હતા. એથી ભારતીય લશ્કર તરફથી તીવ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કરવામાં આવ્યા હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં નૅશનલ સિક્યૉરિટી સેન્ટરના અસોસિએટ પ્રોફેસર લક્ષ્મણ બહેરા સહિત અનેક નિષ્ણાતોએ ચીની લશ્કરની ફિન્ગર-૪થી ફિન્ગર-૮ સુધી પીછેહઠને મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી હતી.

national news rajnath singh ladakh india china