અમિત શાહે બંગાળમાં વર્ચ્યુઅલ રૅલી યોજી મમતા સરકાર પર પ્રહાર કર્યા

10 June, 2020 12:23 PM IST  |  New Delhi | Agencies

અમિત શાહે બંગાળમાં વર્ચ્યુઅલ રૅલી યોજી મમતા સરકાર પર પ્રહાર કર્યા

અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે બંગાળમાં પહેલી વર્ચ્યુઅલ રૅલીની શરૂઆતમાં બંગાળની પવિત્ર ભૂમિને પ્રણામ કરતાં કહ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ મળે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જનસંવાદનો રસ્તો શોધ્યો છે. બંગાળમાં બીજેપી કાર્યકરોનું બલિદાન બીજેપીના નિર્માણમાં મહત્વનું છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ રૅલી વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હીથી જ કરવામાં આવી રહી છે. રાજકીય રીતે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ બીજેપી માટે ખૂબ મહત્વનું છે.

પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. અમિત શાહે કહ્યું કે બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ૪૨ બેઠકોમાંથી ૧૮ બેઠકો બીજેપીએ જીતી હતી. તે તેમના માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે બીજેપી બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માગે છે. બીજેપી સંસ્કારી બંગાળ બનાવવા માગે છે. તેમણે કહ્યું કે મમતા બૅનરજીએ શ્રમિકોનું અપમાન કર્યું છે. શ્રમિક ટ્રેનને તમે કોરોના એક્સપ્રેસ કહી છે પરંતુ તે જ તમને રાજ્યમાંથી બહાર કરશે. તમે મજૂરોના ઘાવ પર મીઠું ભભરાવી રહ્યાં છો અને તેઓ આ અપમાન ક્યારેય ભૂલશે નહીં. શાહે કહ્યું કે જે બંગાળમાં રવીન્દ્ર સંગીતની ધૂન સંભળાતી હતી તે બંગાળ આજે બૉમ્બ ધડાકાથી હચમચી રહ્યું છે. ગોળીઓનો અવાજ, હત્યાઓ અને લોકોના ચિત્કારથી સન્નાટો છવાયો છે.

મમતા બૅનરજી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મમતા સરકાર આયુષ્માન ભારત યોજનાને બંગાળમાં લાગુ થવા દેતા નથી. ગરીબોને મફત સારવારનો લાભ મળતો નથી. કેજરીવાલે આયુષ્માન ભારત યોજનાનો સ્વીકાર કર્યો પરંતુ મમતા બૅનરજીએ નહીં. આયુષ્માન યોજનાથી દેશના ગરીબોની મફત સારવાર થઈ રહી છે. અમારી સરકાર ૬ વર્ષથી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે.

amit shah mamata banerjee coronavirus covid19 lockdown national news