ખરડાઓ ખેડૂતો માટે રક્ષાકવચ સમાન, વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે : મોદી

19 September, 2020 11:32 AM IST  |  New Delhi | Agency

ખરડાઓ ખેડૂતો માટે રક્ષાકવચ સમાન, વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે : મોદી

નરેન્દ્ર મોદી

કૃષિ ક્ષેત્રમાં સુધારાના ત્રણ ખરડાને લોકસભામાં અપાયેલી બહાલીને બિરદાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘આ ત્રણ ખરડાને મંજૂરીને પગલે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને વચેટિયાઓ તથા અન્ય દૂષણોથી મુક્તિ માટે માર્ગ મોકળો થશે. તે ઉપરાંત ખેડૂતોને મળતા નફાનું પ્રમાણ પણ વધશે. ખેડૂતોએ એમને ગેરમાર્ગે દોરતાં પરિબળોથી દૂર રહેવું જોઈએ. વિપક્ષો જાણી જોઈને ભ્રમ ફેલાવી રહ્યા છે. ખરડાઓની ચર્ચાના ખેતીવાડી ખાતાના પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આપેલા જવાબો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.’

ગુરુવારે લોકસભામાં ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કૉમર્સ (પ્રમોશન એન્ડ ફેલિસિટેશન બિલ), ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઑન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ બિલ તેમ જ અગાઉ એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલને બહાલી આપવામાં આવી હતી. એ ત્રણ ખરડાને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યાં મંજૂરી અપાયા પછી એ ત્રણ કાયદા બનશે.

કૃષિ બિલનો વિરોધઃ પંજાબમાં એક ખેડૂતે ઝેર ખાઇ લીધું

મોદી સરકારના કૃષિ બિલ સામે પંજાબમાં ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. શુક્રવારે સવારે પંજાબના બાદલ ગામના એક ખેડૂતે વિરોધ સ્થળે ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયન એકતા ઉગ્રહાનના પ્રદેશ સચિવ શિંગારાસિંહ માન એ જણાવ્યું હતું કે લોકસભામાં કૃષિ બિલ પસાર થતાં ખેડૂતો નારાજ છે. તેમને ડર છે કે આ બિલથી ખેડૂતોને ભારે નુકસાન થશે.

મળતી માહિતી મુજબ ૬૦ વર્ષના ખેડૂતે સાથી ખેડૂતોને શુક્રવારે સવારે ઝેરી પદાર્થનું સેવન કર્યાની માહિતી આપી. ખેડૂતોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રદર્શન સ્થળ પર તૈનાત પોલીસ અધિકારીઓને પણ જાણ કરી હતી. પોલીસ તેને બાદલ ગામની એક હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં ખેડૂતની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

new delhi narendra modi national news