આ દેશને હમ દો, હમારે દો ચલાવી રહ્યા છે : રાહુલ ગાંધી

12 February, 2021 11:33 AM IST  |  New Delhi

આ દેશને હમ દો, હમારે દો ચલાવી રહ્યા છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે ફાર્મ લૉના મુદ્દે મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે દેશ માત્ર ચાર વ્યક્તિ દ્વારા ચલાવાય છે. રાહુલ ગાંધીએ કોઈનું નામ નહોતું લીધું, પરંતુ ચાર વ્યક્તિ તરીકે તેમનો ઇશારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને દેશના બે ટોચના બિઝનેસમૅન તરફ હતો.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે નવો કૃષિ કાયદો ૨૦૨૦ના ચોમાસુ સત્રમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા ઉદ્યોગપતિઓને અમર્યાદિત પ્રમાણમાં અનાજની ખરીદી તેમ જ સંગ્રહ કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કાયદાથી દેશની ફૂડ સિક્યૉરિટી સિસ્ટમ ખોરવાઈ જશે જેની સૌથી ખરાબ અસર ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પડશે.

જવાનોના બલિદાનનું અપમાન કરી રહી છે સરકાર

પૂર્વ લદ્દાખમાં સરહદી તંગદિલી નાબૂદ કરવાના પ્રયાસરૂપે ચીન અને ભારત વચ્ચેની સમજૂતીમાં ભારતે પ્રદેશ છોડ્યો હોવાનો દાવો કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યો હતો. ગઈ કાલે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં ચીન સાથે સમજૂતીની કરેલી જાહેરાતના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘અગાઉ જે હતી એજ સીમાવર્તી સ્થિતિ કાયમ કરીને એ પ્રમાણે બન્ને દેશોનાં દળો ગોઠવવામાં ન આવે તો એવી સમજૂતી કે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સ્થપાતિ શાંતિ નિરર્થક છે. આવી સમજૂતી આપણા સૈનિકોના ત્યાગ-બલિદાનના અપમાનરૂપ છે.’

national news rahul gandhi congress