પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારી લાપતા થતાં ખળભળાટ

16 June, 2020 09:18 AM IST  |  New Delhi/Islamabad | Agencies

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારી લાપતા થતાં ખળભળાટ

ભારત અને પાકિસ્તાનનો ઝંડો

ભારતને વારંવાર હેરાન-પરેશાન કરનાર પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે મહત્વના અધિકારીઓ આજે સવારથી ગુમ થઈ જતાં ભારત સરકારમાં ભારે હલચલ મચી ગઈ છે અને નવી દિલ્હીમાં પાકિસ્તાનની એલચી કચેરીના સત્તાવાળાઓનું તરત ધ્યાન દોરીને તેમને શોધી કાઢવા પર ભાર મૂક્યો છે. નોંધનીય છે કે ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનમાં ફરજ બજાવતા બે કર્મચારીઓને જાસૂસી કરવાના આરોપસર પાછા પાકિસ્તાન મોકલી આપ્યાના કથિત બનાવ સામે કાર્યવાહીના બદલારૂપે આ બે ઉચ્ચાધિકારીઓનો બનાવ બન્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ વિશેની વિગતમાં પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં બે ભારતીય અધિકારીઓ ગુમ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના બે અધિકારીઓ ગુમ છે. તેમની શોધખોળ ચાલી રહી છે. આ સાથે જ આ મામલલો પાકિસ્તાનના જવાબદાર અધિકારીઓ સામે રજૂ કરવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હાઈ કમિશનના કામ કરી રહેલા બન્ને અધિકારી ઑફિસ જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ ઑફિસ પહોંચ્યા નહોતા. પાકિસ્તાન સરકારને આ વિશે જાણ કરવામાં આવી છે.

અગાઉ પણ ઇસ્લામાબાદમાં ભારતના રાજદૂત ગૌરવ અહલુવાલિયાને ડરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કેટલાક આઇએસઆઇ એજન્ટ તેમને ડરાવવા માટે તેમનો પીછો કરી રહ્યા હતા.

બન્ને ભારતીય હાઈ કમિશન સ્ટાફ સીઆઇએસએફ ડ્રાઇવર હતા અને ઇસ્લામાબાદમાં ફરજ પર હતા. જોકે તેઓ તેમના લક્ષ્યસ્થાને પહોંચ્યા ન હતા. મિશન અધિકારીઓએ સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. અહેવાલમાં ટિપ્પણી કરતાં ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી શરત સાબરવાલે આચારસંહિતાનું પાલન ન કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી.

સંરક્ષણ નિષ્ણાત એ. કે. સિંહે પણ પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ પહેલી વાર નથી જ્યારે આવી કોઈ ઘટના બની હોય. પાકિસ્તાન એક ‘ઠગ રાજ્ય’ છે.

india pakistan national news