06 August, 2025 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે NDA પાર્લમેન્ટરી પાર્ટીની બેઠકમાં નરેન્દ્ર મોદીને વધાવતા સાથીઓ.
નવી દિલ્હીના સંસદ ભવનમાં ગઈ કાલે સવારે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જે. પી. નડ્ડા અને NDAના સાથી પક્ષો જેવા કે જનતા દળ યુનાઇટેડ, તેલુગુ દેશમ પાર્ટી વગેરેના સંસદસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું.
તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન
બેઠકમાં NDA સંસદસભ્યો દ્વારા ઑપરેશન સિંદૂર અને ઑપરેશન મહાદેવની સફળતા બદલ નરેન્દ્ર મોદીનું ‘ભારત માતા કી જય, ‘હર હર મહાદેવ’ અને ‘જય શ્રી રામ’ના નારા અને તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.
સર્વાનુમતે ઠરાવ મંજૂર
NDA સંસદસભ્યો દ્વારા આ કામગીરીની સફળતા પર સર્વાનુમતે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં સશસ્ત્ર દળોની ભૂમિકા અને એમની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી હતી. પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે NDA સરકાર એક મજબૂત, વિકસિત અને શાંતિપૂર્ણ ભારત બનાવવા માટે અથાક મહેનત કરી રહી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા
NDA સંસદીય પક્ષના ઠરાવમાં નરેન્દ્ર મોદીના અસાધારણ નેતૃત્વની પણ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના અતૂટ સંકલ્પ, દૂરંદેશી રાજનીતિ અને દૃઢ આદેશે તમામ ભારતીયોના હૃદયમાં એકતા અને ગૌરવની નવી ભાવના જગાવી છે. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સંરક્ષણ-સુધારાઓની પણ નોંધ લેવામાં આવી હતી, જે ઑપરેશન સિંદૂર દરમિયાન નિર્ણાયક સાબિત થયા હતા.
જે કહ્યું એ કરી બતાવ્યું
આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ‘૨૪ એપ્રિલે વડા પ્રધાને બિહારના મધુબનીથી દેશને ખાતરી આપી હતી કે બધા આતંકવાદીઓને કડક સજા આપવામાં આવશે. આપણે બધાએ જોયું કે કોઈ પણ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે.’
બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર પર ચર્ચા માટે માગણી કરીને વિપક્ષે પોતાના પગમાં કુહાડી મારી છે. ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના લોકો ખરાબ રીતે ઉઘાડા પડી ગયા હતા. ઑપરેશન સિંદૂર પર ચર્ચા માગનારો વિપક્ષ ક્યાંથી મળશે?’
આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનો આડકતરી રીતે ઉલ્લેખ કર્યો અને તેમના પર પ્રહાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપેલા ઠપકા વિશે તેમણે કહ્યું હતું કે ‘તે કંઈ પણ કહેતા રહે છે. તેમણે બાલિશ વર્તન કર્યું. સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો. દેશે તેમની બાલિશતા જોઈ લીધી છે.’