પંજાબના મુખ્ય પ્રધાન ચન્નીએ શપથ લેતાં જ રાજીનામાની માગણી

21 September, 2021 09:23 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

આઇએએસ મહિલા અધિકારી સાથેનાં ત્રણ વર્ષ પહેલાંના અભદ્ર વર્તનની મહિલા સંગઠને યાદ અપાવતાં કહ્યું, ‘ચન્નીની નિયુક્તિ કૉન્ગ્રેસનો શરમજનક નિર્ણય, રાજ્યમાં સ્ત્રીઓની સલામતી હવે સંભવ નથી’

ચંડીગઢમાં રાજભવન ખાતે ગઈ કાલે ચરણજિત સિંહ ચન્નીને અભિનંદન આપી રહેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. (તસવીર : પી.ટી.આઇ.)

પંજાબમાં શનિવાર, ૧૮ સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપ્યું ત્યાર બાદ ગઈ કાલે કૉન્ગ્રેસ હાઈ કમાન્ડની પસંદગી પામેલા ચરણજિત સિંહ ચન્નીએ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા, પરંતુ એ સાથે જ તેમના પર આક્ષેપોના તીર છૂટવાની શરૂઆત થઈ ગઈ હતી. ચન્ની વિરુદ્ધ અગાઉ મહિલા સાથેના અભદ્ર વર્તન સંબંધિત ‘મી-ટૂ’ને લગતા જે આક્ષેપો થયા હતા એને ધ્યાનમાં રાખીને નૅશનલ કમિશન ફૉર વિમેન (એનસીડબ્લ્યુ)નાં અધ્યક્ષ રેખા શર્માએ નવા મુખ્ય પ્રધાન ચન્નીનું રાજીનામું માગ્યું હતું.

રેખા શર્માએ કહ્યું હતું કે ‘આવા માણસને પંજાબના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એ શરમજનક કહેવાય. અમે નથી ઇચ્છતા કે વધુ કોઈ મહિલાને તેમનો ખરાબ અનુભવ થાય અને તેમના હાથે સતામણી થાય. ચન્નીને અગાઉના આક્ષેપો બદલ અપરાધી ઠરાવવા જોઈએ અને તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. ૨૦૧૮માં એક મહિલા આઇએએસ ઑફિસરને અભદ્ર ભાષાવાળો ટેક્સ્ટ મેસેજ કર્યો હોવાનો આક્ષેપ છે.’

રેખા શર્માએ સોનિયા ગાંધીનું નામ લીધાં વિના કહ્યું હતું કે ‘જે માણસ મહિલાઓની સલામતી સામે ખતરો હોય તેને જ રાજ્યનું સુકાન સોંપવામાં આવે તો રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કેટલી રહી શકે એ કોઈ પણ વિચારી શકે છે. જો રાજ્યમાં એક આઇએએસ મહિલાને જ ન્યાય ન મળ્યો હોય તો કૉન્ગ્રેસ પક્ષ સામાન્ય મહિલાઓને કેવી રીતે ખાતરી આપી શકે કે રાજ્યમાં તેમની સલામતી રહેશે.’

મોદીએ આપ્યાં અભિનંદન

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ચરણજિત સિંહ ચન્નીને અભિનંદન આપ્યાં હતાં. દલિત સમુદાયની કોઈ વ્યક્તિએ પંજાબનું મુખ્ય પ્રધાનપદ મેળવ્યું હોય એવું પહેલી જ વાર બન્યું છે.

મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર પંજાબની પ્રજાના કલ્યાણ માટે પંજાબ રાજ્યની સરકાર સાથે કામ કરવાનું હંમેશની માફક ચાલુ રાખશે.’

કૅપ્ટન અમરિન્દર સિંહની ખુરશી જવા પાછળ પ્રશાંત કિશોરનો હાથ?

વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર (પી.કે.)એ જ કૅપ્ટનની ચૂંટણી વ્યુહરચના બનાવી હતી અને કૉન્ગ્રેસની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી ત્યારથી કૅપ્ટન પી.કે.ને તેમના મિત્ર માનવા લાગ્યા અને બન્ને વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશાંત કિશોરને કૅબિનેટ રૅન્ક આપીને કૅપ્ટને તેમના સલાહકાર તરીકે નિમણૂક પણ કરી દીધા હતા. જોકે, પી.કે. કૉન્ગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે નવજોત સિંહ સિધુના કૅપ્ટન સામેના બળવા દરમિયાન થોડા સમય પહેલાં જ સલાહકારપદેથી રાજીનામું આપી દીધું હતું. પંજાબ કૉન્ગ્રેસ અધ્યક્ષ સિધુની ઘેરાબંધી વચ્ચે મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહ પાસેથી રાજ્યની સત્તા છીનવવામાં સૌથી નિર્ણાયક ભૂમિકા તેમના સલાહકાર રહેલા પ્રશાંત કિશોરની હોવાનું માનવામાં આવે છે.

national news punjab chandigarh