વડાપ્રધાને આત્મનિર્ભર રાષ્ટ્ર ઘડવા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

12 May, 2020 08:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વડાપ્રધાને આત્મનિર્ભર રાષ્ટ્ર ઘડવા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

તસવીર- એએફપી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઇરસ રોગચાળો અને લૉકડાઉનને લઇને છેલ્લા અઢી મહીનાથી જે સંજોગોમાં દેશ જીવી રહ્યો છે તેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ભાર મૂકતા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, “આ સંજોગોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ભારતના જીડીપીના લગભગ 10 ટકા એટલે કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાશે અને તે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. આવતીકાલથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.” તેમણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની વાત પર સતત ભાર મુક્યો. તેમણે કહ્યું કે, “ભારત અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધા, તંત્ર જે ટેક્નોલોજી ડ્રિવન છે તથા માંગ જે સપ્લાય સાથે તાલમેલ રાખે છે એમ કૂલ પાંચ સ્તંભ પર ખડો છે.” આફતની વાત કરતાં તેમણે કચ્છનાં ભૂકંપને યાદ કર્યો અને કહ્યું કે તે વિનાશ તેમણે નજરોનજર જોયો પણ છતાં પણ કચ્છ તેમાંથી બેઠું થયું. આપણે જે નક્કી કરીએ તે શક્ય બને જ છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદી શરૂ થઇ ત્યારે લોકો Y2Kની આફતથી ડરતા હતા પણ ભારતે તેનો પણ સામનો કર્યો. આપણે બહેતર ઉત્પાદન કરીશું, ગુણવત્તા પણ સારી બનાવીશું તથા સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ કરીશું. ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે. જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.  આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.” તેમણે કહ્યું કે, “સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે. 
 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ અકલ્પનિય સંકટ છે. આ યુદ્ધ જેવી સ્થિતી છે અને વિશ્વ ચાર મહીનાથી તેની સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.”

narendra modi national news coronavirus covid19