ઉત્તર પ્રદેશના તમામ મદરસામાં રાષ્ટ્રગીત ફરજિયાત બનાવાયું, જાણો વિગત

12 May, 2022 08:48 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

આ નિર્ણય 24 માર્ચે બોર્ડની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

હવે ઉત્તર પ્રદેશના તમામ મદરસામાં રાષ્ટ્રગીત થશે, યુપીના શિક્ષણ બોર્ડે આ આદેશ બહાર પડ્યો છે. ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રાર એસએન પાંડેએ 9 મેના રોજ તમામ જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓને તેનો અમલ કરવા આદેશ બહાર પડ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે હવે તમામ મદરસામાં રાષ્ટ્રગીત (જન ગણ મન) ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિર્ણય 24 માર્ચે બોર્ડની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં તમામ મદરસાઓમાં પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રમઝાન પછી 12 મેથી તમામ મદરસામાં નિયમિત વર્ગો શરૂ થઈ ગયા હતા અને આ આદેશ તે જ દિવસથી અમલમાં આવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ગો શરૂ થતા પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવશે, આ તમામ માન્ય, નાણાકીય સહાયતા અને બિન-આર્થિક સહાયિત મદરસામાં લાગુ થશે. આદેશનું પાલન કરવા માટે જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. બીજેપી નેતા મોહસીન રઝાએ પણ તેનું સ્વાગત કર્યું છે. રઝાએ કહ્યું કે “આનાથી બાળકોમાં દેશ પ્રત્યેનો પ્રેમ વધશે. તે શિસ્ત અને દેશભક્તિ શીખવશે.”

શિક્ષક સંઘ મદારિસ અરેબિયાના જનરલ સેક્રેટરી દિવાન સાહેબ જમાન ખાને જણાવ્યું હતું કે “અત્યાર સુધી મદરસાઓમાં વર્ગો શરૂ થતાં પહેલાં માત્ર હમ્દ (અલ્લાહને) અને સલામ (પયગમ્બર મુહમ્મદને સલામ) ગાવામાં આવતા હતા. અમુક મદરસામાં રાષ્ટ્રગીત ગાવામાં આવતું હતું, પરંતુ તે ફરજિયાત નહોતું, જેને હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.”

national news uttar pradesh