રાહુલ ગાંધીએ અમદાવાદમાં કર્યો દાવો

07 July, 2024 07:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદી અયોધ્યાથી લોકસભાની ચૂંટણી લડવા માગતા હતા, સર્વેયરે કહ્યું કે હારી જશો

અમદાવાદમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. (તસવીર - જનક પટેલ)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે ગુજરાતના અમદાવાદમાં દાવો કરતાં કહ્યું હતું કે ‘તમને અંદરની વાત બતાવું છું. ઇન્ડિયા ગઠબંધનમાંથી જીતેલા અયોધ્યાના સંસદસભ્યે મને કહ્યું હતું કે અહીં ત્રણ વાર સર્વે થયો હતો. નરેન્દ્ર મોદીજી વારાણસીથી ચૂંટણી નહોતા લડવા માગતા, પણ અયોધ્યામાંથી લડવા માગતા હતા. તેમના સર્વેયર ત્રણ વાર આવ્યા હતા. નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારે સર્વેયરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજી, જો તમે અયોધ્યામાંથી લડશો તો અયોધ્યામાંથી હારશો. તમે અયોધ્યાથી ન લડો, જો લડ્યા તો તમારું રાજનૈતિક કરીઅર અયોધ્યામાં ખતમ થઈ જશે. એટલા માટે અયોધ્યાથી ન લડ્યા અને વારાણસીમાંથી લડ્યા હતા.’

તાજેતરમાં અમદાવાદમાં કૉન્ગ્રેસ કાર્યાલય પાસે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા અપીલ કરી હતી અને એ સ્વીકારીને રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું જેમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને BJP સામે આક્ષેપો કર્યા હતા...

હું તમને અહીં એ કહેવા આવ્યો છું કે એમણે તમારી ઑફિસમાં, તમારા કાર્યકરો પર આક્રમણ કર્યું છે. હવે તમારે ડરવાનું નથી, ડરાવવાના નથી. તેમણે ઑફિસમાં ધમકાવી, ઑફિસને તોડીને આપણને ચૅલેન્જ આપી છે. ચૅલેન્જ શું છે? ગુજરાતની ચૂંટણીમાં આપણે સૌ મળીને તેમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છીએ. નરેન્દ્ર મોદી અને BJPને જેવી રીતે અયોધ્યામાં હરાવ્યા એવી રીતે ગુજરાતમાં તેમને હરાવવા જઈ રહ્યા છીએ.’

જ્યારે એમણે અમારી ઑફિસ તોડી ત્યારે મેં વિચાર્યું કે મોકો મળી ગયો, હવે એમને સબક શીખવાડીશું. જેવી રીતે અમારી ઑફિસ તોડી એવી રીતે અમે તેમની સરકાર તોડવા જઈ
રહ્યા છીએ.  

કૉન્ગ્રેસ પાર્ટી ગુજરાતમાંથી જીતશે અને ગુજરાતથી નવી કૉન્ગ્રેસ પાર્ટી બનશે. કૉન્ગ્રેસ પાર્ટી બની ક્યાંથી? આપણા સૌના સૌથી મોટા નેતા હતા જેમણે રસ્તો બતાવ્યો હતો. જ્યારે અહીં અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે ડર નહોતો? મહાત્મા ગાંધીજીએ દેશને કહ્યું હતું ‘ડરો મત, ડરાઓ મત’. આ આગ ગુજરાતથી શરૂ થઈ હતી. આજે અગર કૉન્ગ્રેસ પાર્ટી છે તો એ ભાવના, એ વિચાર ગુજરાતથી શરૂ થયો હતો.

હવે તમને રિયલિટી બતાવી રહ્યો છું. BJPમાં નરેન્દ્ર મોદીજી બેઠા છે. તેમની પૂરી ટીમ તેમની સામે બેઠી છે, એમાંથી કોઈ નરેન્દ્ર મોદીને નથી ચાહતું, પણ દમ નથી, ડરે છે. જો નરેન્દ્ર મોદીજી જેવા લીડર કૉન્ગ્રેસમાં હોત તો પૂરી કૉન્ગ્રેસ પાર્ટી ઊભી થઈ જતી અને કહેતી અમે ડરતા નથી, હટો અહીંથી. પણ તેમની પાર્ટીમાં દમ નથી, તેમના કાર્યકરોમાં દમ નથી.

તમે બહુ સહન કર્યું, લાઠીઓ ખાધી, તમારું બહુ અપમાન થયું. બસ, બહુ થઈ ગયું હવે. તેમને સબક શીખવાડવાનો છે અને તેમને હરાવવા જઈ રહ્યા છીએ. નફરતથી નહીં, મોહબ્બતથી તેમને હરાવીશું. કેવી રીતે? કેમ કે, નરેન્દ્ર મોદીનું વિઝન હતું એ ગુબ્બારો ફાટી ગયો છે.

ગુજરાત કૉન્ગ્રેસના રેસના ઘોડાઓને રેસમાં જ દોડાવવા છે : રાહુલ ગાંધી

ગુજરાતના અમદાવાદમાં આવેલા રાહુલ ગાંધીએ ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ટપારતાં કહ્યું હતું કે ‘ડરો મતની વાત કરી, પણ એક શિકાયત પણ છે. એવું નથી કે ગુજરાત કૉન્ગ્રેસમાં ખામીઓ નથી, ખામીઓ શું છે? કૉન્ગ્રેસના એક કાર્યકરે મને જણાવ્યું હતું કે રાહુલજી, કૉન્ગ્રેસમાં એક મુશ્કેલી છે; બે રીતના ઘોડા હોય છે, એક લગ્નના અને બીજા રેસના ઘોડા હોય છે; ક્યારેક-ક્યારેક કૉન્ગ્રેસ પાર્ટી શું કરે છે કે રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે, આ બંધ કરાવી દો; રેસના ઘોડાને રેસમાં દોડાવો અને લગ્નના ઘોડાને લગ્નમાં મોકલો. આ ગુજરાતમાં કરવું છે. જે રેસના ઘોડા છે તેમને રેસમાં મોકલવાના છે અને લગ્નના ઘોડા છે તેમને અમે લગ્નમાં વરઘોડામાં નચાવવા જોઈએ. આ કામ સિરિયસ્લી કરવાનું છે.’

national news india delhi rahul gandhi narendra modi ayodhya political news