BAના સિલેબસમાં નરેન્દ્ર મોદી, વીર સાવરકર અને મન કી બાતનો સમાવેશ

30 December, 2025 09:50 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

MSUએ ફૅકલ્ટી ઑફ આર્ટ્સમાં BA માઇનર કોર્સની શરૂઆત કરી છે.

નરેન્દ્ર મોદી અને વીર સાવરકર

ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)એ નૅશનલ એજ્યુકેશન પૉલિસી 2020 હેઠળ શરૂ કરેલા બૅચલર ઑફ આર્ટ્સ (BA) ઇંગ્લિશ માઇનર અભ્યાસક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સ્વતંત્રતાસેનાની વિનાયક દામોદર સાવરકર અને નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

MSUએ ફૅકલ્ટી ઑફ આર્ટ્સમાં BA માઇનર કોર્સની શરૂઆત કરી છે. એમાં ઍનલાઇઝિંગ ઍન્ડ અન્ડરસ્ટૅન્ડિંગ નૉન-ફિક્શનલ રાઇટિંગ્સ શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીએ લખેલા પુસ્તક ‘જ્યોતિપુંજ’ અને વીર સાવરકરના પુસ્તક ‘ઇનસાઇડ ધી એનિમી કૅમ્પ’ને સામેલ કરવામાં આવ્યાં છે. આ કોર્સ વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-’૨૬થી શરૂ કરવામાં આવ્યો છે. સિલેબસમાં શ્રી અરબિંદો, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને સ્વામી વિવેકાનંદના લેખોને પણ સામેલ કરવામાં આવ્યા છે. એમાં નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના પસંદ કરાયેલા એપિસોડને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

MSUના અંગ્રેજી વિભાગના પ્રેસિડન્ટ પ્રોફેસર હિતેશ રવિયાના જણાવ્યા મુજબ આ અભ્યાસક્રમ અંગ્રેજીના શિક્ષણને ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ બનાવવા તૈયાર કરવામાં આવ્યો છે. આમાં ભારતના વિચારકો, નેતાઓ અને તેમના વિચારોને અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

national news india indian government mann ki baat narendra modi veer savarkar Education