RSSનાં ૧૦૦ વર્ષની યાત્રા ત્યાગ, નિ:સ્વાર્થ સેવા, રાષ્ટ્રનિર્માણ અને અનુશાસનનું અસામાન્ય ઉદાહરણ છે

02 October, 2025 06:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે નરેન્દ્ર મોદીએ સ્મૃતિવિશેષ ટપાલ-ટિકિટ અને ૧૦૦ રૂપિયાના સિક્કાનું અનાવરણ કર્યું

નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ નિમિત્તે ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ-ટિકિટ અને ૧૦૦ રૂપિયાનો એક વિશેષ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યાં હતાં. આ ટપાલ-ટિકિટ અને સિક્કાનું ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.

આ અવસરે વડા પ્રધાને RSS સાથેનાં તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને કહ્યું હતું કે ‘૧૦૦ રૂપિયાના આ સિક્કા પર એક તરફ રાષ્ટ્રીય ચિહ‌્ન છે તો બીજી તરફ ભારતમાતાની છબિ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ આ પહેલી જ વાર છે જ્યારે ભારતીય ચલણ પર ભારતમાતાના ચિત્રને અંકિત કરવામાં આવ્યું હોય. RSSનાં ૧૦૦ વર્ષની યાત્રા ત્યાગ, નિ:સ્વાર્થ સેવા, રાષ્ટ્રનિર્માણ અને અનુશાસનનું અસામાન્ય ઉદાહરણ છે.’

નરેન્દ્ર મોદીએ કર્યાં સંઘનાં ભરપેટ વખાણ
* આજના યુગમાં સંઘ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો એક સદ્ગુણી અવતાર છે.
* સંઘ રાષ્ટ્રમાં અતૂટ શ્રદ્ધા પર આધારિત છે, સેવાની ગહન ભાવનાથી પ્રેરિત છે, ત્યાગ અને તપસ્યાની અગ્નિમાં તરબોળ છે, મૂલ્યો અને શિસ્તથી પરિષ્કૃત છે અને રાષ્ટ્રીય ફરજને જીવનનું સર્વોચ્ચ કર્તવ્ય માનવામાં અડગ છે.
* સંઘ ભારતમાતાની સેવા કરવાના ઉમદા સ્વપ્ન સાથે અવિભાજ્ય રીતે જોડાયેલો છે.
* સંઘનો આદર્શ ભારતીય સંસ્કૃતિનાં મૂળને વધુ ઊંડાં અને મજબૂત બનાવવાનો છે.
* સંઘનો પ્રયાસ સમાજમાં આત્મવિશ્વાસ અને ગૌરવ જગાડવાનો છે.
* સંઘનું ધ્યેય દરેક હૃદયમાં જાહેર સેવાની જ્યોત પ્રજ્વલિત કરવાનો છે. એનો ઉદ્દેશ ભારતીય સમાજને સામાજિક ન્યાયનું પ્રતીક બનાવવાનો છે.
* સંઘનો સંકલ્પ રાષ્ટ્ર માટે સુરક્ષિત અને ઉજ્જ્વળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે.

national news india narendra modi rashtriya swayamsevak sangh political news new delhi delhi news