12 March, 2026 02:45 PM IST | Kochi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કેરલમના એર્નાકુલમમાં યોજાયેલી એક જાહેર સભામાં નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કેરલમના કોચીમાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ કેરલમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો, પર્યટનને વેગ આપવાનો અને ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે.
એર્નાકુલમ જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી વધારશે, સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે. સાથે સાથે વિકસિત રાજ્યના વિઝનમાં ફાળો આપશે. કોચી આવવું હંમેશાં એક શાનદાર અનુભવ હોય છે. હું કેરલમના લોકોને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું જે રાજ્યના વિકાસને વેગ આપશે.’
વડા પ્રધાને પશ્ચિમ કલ્લાડા ખાતે ૫૦ મેગાવૉટના તરતા સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. કેરલમમાં મોટી સંખ્યામાં જળસંગ્રહ હોવાને કારણે તરતા સોલર પાવર પ્રોજેક્ટની સંભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કોચી રિફાઇનરીમાં પૉલિપ્રોપિલિન યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે જે વાર્ષિક આશરે ૪ લાખ ટન ઉત્પાદન કરે એવી અપેક્ષા છે. આ સુવિધા પૅકેજિંગ, કાપડ, ઑટોમોબાઇલ અને તબીબી ઉપકરણો જેવાં ક્ષેત્રોને ટેકો આપશે.
આ સિવાય વડા પ્રધાને કેરલમ અને તામિલનાડુ વચ્ચે નવી પલક્કડ-પોલ્લાચી ટ્રેનસર્વિસને લીલી ઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો.