NDA સંસદીય બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, ‘ઓપરેશન સિંદૂર’ બાબતે આપી માહિતી

06 August, 2025 06:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Narendra Modi in NDA Meeting: આજે પીએમ સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે અને સાંસદોને સંબોધિત કરશે; ‘ઓપરેશન સિંદૂર’ પછી NDA સાંસદોની પહેલી બેઠક યોજાઈ રહી છે

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપ્યા પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય લોકો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા હતા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પછી, એનડીએ સાંસદો આજે પહેલી વાર મળી (NDA Meeting) રહ્યા છે. બેઠક પહેલા, `હર હર મહાદેવ` ના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi)નું સ્વાગત કરવામાં આવ્યું અને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (National Democratic Alliance - NDA) સાંસદોને ‘ઓપરેશન સિંદૂર’, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સામે ભારતની લશ્કરી કાર્યવાહી, અંગે વિગતવાર માહિતી આપી હતી.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ પર ઉગ્ર ચર્ચા શરૂ થયા બાદ આ ચર્ચા થઈ હતી, જે વિપક્ષના આગ્રહથી શરૂ થઈ હતી. વડા પ્રધાન મોદીએ (Narendra Modi in NDA Meeting) ટિપ્પણી કરી હતી કે, વિપક્ષ હવે ચર્ચાની તેમની માંગણી પર પસ્તાવો કરી રહ્યું હશે. પીએમ મોદીએ કોંગ્રેસ (Congress)ના નેતાઓ અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પણ આકરા પ્રહારો કર્યા, જેમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘તેઓ કંઈ પણ કહેતા રહે છે. તેઓ ઘણીવાર બાલિશ વર્તન કરે છે અને સુપ્રીમ કોર્ટે પણ તેમને ઠપકો આપ્યો છે. આખા દેશે તેમની બાલિશતા જોઈ છે.’

પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની પણ પ્રશંસા કરી, અને નોંધ્યું કે તેઓ હવે સૌથી લાંબા સમય સુધી કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સેવા આપતા રહ્યા છે.

NDA સંસદીય પક્ષની બેઠક દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ પર એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં લખવામાં આવ્યું છે કે, ‘NDA સંસદીય પક્ષે આપણા સશસ્ત્ર દળોની અસાધારણ બહાદુરી અને અડગ સમર્પણને શ્રદ્ધાંજલિ આપી, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) બંને દરમિયાન અસાધારણ વીરતા દર્શાવી હતી. રાષ્ટ્રની સુરક્ષા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા તેમની નિષ્ઠા અને બલિદાનનો એક શક્તિશાળી પુરાવો છે. પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)માં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે અમે ગંભીરતાથી સન્માન કરીએ છીએ અને અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’

આ ઠરાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા લખ્યું હતું કે, ‘પાર્ટી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અનુકરણીય નેતૃત્વની પણ પ્રશંસા કરે છે. જેમના દ્રઢ સંકલ્પ, દૂરંદેશી નેતૃત્વ અને નિર્ણાયક કાર્યોએ આ કસોટીના સમયમાં રાષ્ટ્રને માત્ર માર્ગદર્શન નથી આપ્યું, પરંતુ તમામ ભારતીયોમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સામૂહિક ભાવનાને ફરીથી જાગૃત કરી છે.’

‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ની સફળતા પર NDA સાંસદો દ્વારા સર્વાનુમતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, આજની સંસદીય બેઠકમાં નવા સાંસદોનો પરિચય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરાવવામાં આવ્યો.

national democratic alliance narendra modi rajnath singh amit shah jp nadda bharatiya janata party operation sindoor india pakistan Pahalgam Terror Attack indian army congress rahul gandhi national news news political news