ફેવરિટ ફાઇવ

17 September, 2020 10:29 AM IST  |  Rajkot | Rashmin Shah

ફેવરિટ ફાઇવ

ફેવરિટ ફાઇવ

ફેવરિટ નાસ્તો : સેવ-મમરા
હા, સેવ-મમરા નરેન્દ્ર મોદીનો ફેવરિટ નાસ્તો છે અને એનો ઉપયોગ આજે પણ તે નિયમિત કરે છે. દિવસમાં એકાદ વાર તો તેમણે સેવ-મમરા ખાધા જ હોય. સક્રિય રાજકારણમાં પ્રવેશ નહોતો કર્યો ત્યારે નરેન્દ્ર મોદી પોતાના બગલથેલામાં સેવ-મમરાનો સ્ટીલનો ડબ્બો હંમેશાં સાથે રાખતાં. જ્યાં મન પડે અને જ્યારે મન પડે ત્યારે વિના સંકોચે ખાય પણ ખરા અને સામે બેઠેલાને ઑફર પણ કરે. એ સમયે નરેન્દ્ર મોદી સાદા મમરા અને સેવનું કૉમ્બિનેશન કરતા પણ હવે સાદા મમરાને બદલે સહેજ અમસ્તા તેલના વઘાર સાથેના મમરામાં સેવ નાખીને તે નાસ્તો કરે છે. ગુજરાતના અનેક સિનિયર જર્નલિસ્ટ એવા છે જેમણે નરેન્દ્ર મોદીના એ સેવ-મમરાનો નાસ્તો કર્યો છે તો બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા અનેક નેતાઓએ પણ એ સેવ-મમરાનો નાસ્તો મોદી સાથે બેસીને કર્યો છે.
ફેવરિટ દંતમંજન : દાતણ
બહુ ઓછા લોકોને ખબર છે કે નરેન્દ્ર મોદી આજે પણ દરરોજ સવારે દાતણ કરે છે. પંદર મિનિટ ઘરમાં ચાલતાં-ચાલતાં દાતણ કર્યા પછી નરેન્દ્ર મોદી નિમક અને કોલસાનું જાતે તૈયાર કરેલું મંજન દાંત પર ઘસે છે. આખા નિમકના ટુકડાઓમાં સહેજ અમસ્તો ખાંડેલો કોલસો મિક્સ કરીને એનું દાંત અને પેઢાં પર બેથી ચાર મિનિટ મંજન કરે અને એ પછી મોઢું સાફ કરે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી તેમને આ આદત પડી છે અને આ આદતને તેમણે આજ સુધી કન્ટિન્યુ રાખી છે. નિમક અને કોલસાનું મિક્સચર વાપરવાની આદત નરેન્દ્ર મોદીને પોતાના હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમ્યાન પડી અને એ પછી તેમણે એને કન્ટિન્યુ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે આ મિક્સચર વાપરવું કે નહીં એ માટે તેમણે દેશના બહુ જાણીતા ડેન્ટલ સર્જન સ્વર્ગીય પી. વી. દોશીની ઍડ્વાઇઝ પણ લીધી હતી. ડૉક્ટર દોશી સંઘ સાથે જોડાયેલા હતા અને તેમણે અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા બીજેપીના સમર્થ નેતાઓની ડેન્ટલ ટ્રીટમેન્ટ પણ કરી છે.
ફેવરિટ ડ્રિન્ક : ગંગાજળ
હા, ગંગાજળ નરેન્દ્ર મોદીનું સૌથી ફેવરિટ ડ્રિન્ક છે અને તે એનું નિયમિત સેવન પણ કરે છે. નરણા કોઠે ગંગાજળનો એક ગ્લાસ પીવાનો તેમનો નિયમ લગભગ ત્રીસેક વર્ષથી છે. જ્યારે સંઘના કાર્યમાં બિઝી હતા ત્યારે તેમને દરરોજ એક ગ્લાસ ગંગાજળ પીવા ન મળે તો તે પોતાની સાથે રહેલી બૉટલમાંથી એક ઢાંકણું ગંગાજળનું પાણી પી લેતા પણ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમને ટીમ મળી એટલે તેમના માટે ગંગાજળના પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવી, જે વ્યવસ્થા આજે પણ અકબંધ છે અને મોદી દિવસના આરંભનો પહેલો પાણીનો ગ્લાસ ગંગાજળ પીએ છે. આવું કરવા પાછળ સાયન્સ જવાબદાર છે કે નહીં એ તેમની ટીમમાં કોઈ નથી જાણતું, પણ ગંગામૈયા પ્રત્યેની તેમની લાગણી કારણભૂત છે એવું પણ સહજપણે સ્વીકારે છે.
ફેવરિટ ભોજન : ખીચડી
નરેન્દ્ર મોદીના રાતના ભોજનમાં ખીચડી અચૂક બને છે. મોદીસાહેબનો આ જે નિયમ છે એ જગતભરના પોતાના પ્રવાસ દરમ્યાન પણ અકબંધ રહે છે. આ જ કારણે વાઇટ હાઉસમાં પણ તેમના માટે ખીચડી બની છે તો દુબઈના શેખના પૅલેસમાં પણ તેમના માટે ખીચડી બનાવવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતી ખીચડી અનહદ વહાલી છે. સાદી અને રેગ્યુલર ખીચડી. ઢીલી ખીચડીમાં માત્ર ઘી નાખીને ખાવાની નરેન્દ્ર મોદીની આદત છે. દૂધ-ખીચડી પણ તેમનાં ફેવરિટ છે. નરેન્દ્ર મોદીના ઘરે રહેવાનો અવસર મેળવી શકનારાઓને ખબર છે કે દૂધ-ખીચડી ખાવા કરતાં પણ એને પીવાની મજા નરેન્દ્ર મોદી વધારે માણે છે. મુખ્ય પ્રધાનપદ અને એ પછી વડા પ્રધાનપદ પર આવ્યા પછી આજે પણ તેમના ઘરે ખીચડી નિયમિત બને છે. ખીચડી સાથે કાચા પપૈયા અને મરચાંનો સંભારો પણ તેમને ભાવે છે, પણ દૂધ-ખીચડીની તોલે કંઈ ન આવે એ પણ એટલું જ સાચું છે.
ફેવરિટ પાત્ર : ભગતસિંહ
તમને જાણીને નવાઈ લાગશે કે સ્કૂલમાં નરેન્દ્ર મોદીએ બે વર્ષ સુધી નાટકમાં ભાગ લીધો હતો અને બન્ને વખત તેમણે શહીદ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. ભગતસિંહથી મોદી ભારોભાર પ્રભાવિત રહ્યા છે, જે તેમની કાર્યશૈલીમાં પણ વારંવાર ઝળક્યા કરે છે. જો દુશ્મન માને નહીં તો લાલ આંખ કરવી પડે અને દુશ્મનને મર્દાનગી દેખાડવી પડે. આ માનસિકતા તેમનામાં ભગતસિંહના ચરિત્રમાંથી આવી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતી ઍક્ટર-પ્રોડ્યુસરોની સાથે અનેક વાર મીટિંગ કરી હતી. એ મીટિંગમાં પણ તેમણે કહ્યું હતું કે બહાદુરી જન્માવે અને હામ પ્રગટાવે એવા વિષય પર ફિલ્મો અને સિરિયલો બનવી જોઈએ, જે આપણી ભાવિ પેઢીમાં હિંમત અને સાહસિકતા જન્માવશે. આ જ વાતને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીએ ડિસ્કવરી ચૅનલના ‘ઇનટુ ધ વાઇલ્ડ’ શોમાં જવાનું નક્કી કર્યું હતું. ભગતસિંહ ઉપરાંત નરેન્દ્ર મોદી સરદાર પટેલથી પણ ભારોભાર પ્રભાવિત રહ્યા છે. કોઈ જાતની ફરિયાદ વિના એકધારું અને પૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું કામ અકબંધ રાખનારા સરદાર પટેલના સ્વભાવની આ ખૂબીને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનમાં પણ ઉતારી છે.

narendra modi happy birthday Rashmin Shah national news rajkot